​”કરવું નથી કામ તેને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી,” આ ઉક્તિ માત્ર કવિતા નથી, પણ મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી વિપુલભાઈ બોકરવાડીયાના જીવનની સચ્ચાઈ છે. જ્યાં સ્વસ્થ લોકો પણ હાંફી જાય છે, તેવા ગરવા ગઢ ગિરનારને વિપુલભાઈએ અત્યાર સુધીમાં 11મી વખત સર કરીને અસાધારણ હિંમત અને આસ્થાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2012માં માત્ર 5 મિત્રો સાથે શરૂ કરેલી તેમની આ પ્રેરણાદાયી યાત્રામાં આ વખતે 65 મિત્રો જોડાયા હતા. પોલિયો સામેની લડાઈ અને ગિરનારી પ્રત્યેની આસ્થા
​હાલ 42 વર્ષની ઉંમર ધરાવતા વિપુલભાઈ બોકરવાડીયાના સંઘર્ષની શરૂઆત બાળપણથી જ થઈ ગઈ હતી. મૂળ અમરેલી જિલ્લાના ચાવંડ ગામના વિપુલભાઈને માત્ર 2 વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગમાં 80% જેટલી દિવ્યાંગતા આવી ગઈ હતી. પરંતુ, તેમણે બાળપણથી જ હિંમત હારી નહોતી. મનની મક્કમતા સાથે, તેમણે બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું અને સમાજમાં પોતાના ખુદની એક નવી ઓળખ ઊભી કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. ​ગરવા ગઢ ગિરનારને સર કરવા મા અંબાના અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. વિપુલભાઈને પહેલેથી જ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે અને તેઓ ગિરનારી મહારાજની આસ્થા સાથે ઊંડેથી જોડાયેલા છે. રોપ-વેની સુવિધા થઈ ગઈ હોવા છતાં શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો સીડીથી જ ગિરનાર ચડે છે, પરંતુ વિપુલભાઈ તે શ્રદ્ધાળુઓથી પણ એક ડગલું આગળ છે. તેઓ પગે નહીં, પણ હાથની મદદથી ગિરનારની સીડીઓ ચડે છે. ​જ્યારે તે ગિરનારની સીડીઓ ચડે છે અને ઉતરે છે ત્યારે ઘણી વાર હાથમાં ગંભીર ઇજાઓ પણ પહોંચતી હોય છે, પરંતુ તેમને તેની અસર થતી નથી. વિપુલભાઈનું માનવું છે કે તેમને ગિરનારના એક-એક પગથિયાથી નવી ઊર્જા અને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે. ​ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
​વિપુલભાઈનું આત્મબળ કેટલું મક્કમ છે. તે તેમની સિદ્ધિઓ પરથી જોઈ શકાય છે. વર્ષ 2018માં જ્યારે તેમણે પાંચમી વખત ગિરનાર સર કર્યો. ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિએ તેમને વધુ પ્રોત્સાહિત કર્યા હતા. ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલભાઈને 17 કલાક જેટલો સમય લાગે છે. તેઓ રાત્રિના ગિરનાર ચડવાનું શરૂ કરે છે અને બીજા દિવસે બપોરના સમયે ફરી તે ગિરનારની સીડીઓ ઉતરી પોતાના વતન રાજકોટ રવાના થાય છે. ​પાંચ મિત્રોથી યાત્રા શરૂ કરી, 65 મિત્રોનો સથવારો
​વિપુલભાઈની આ અદમ્ય યાત્રામાં મિત્રોનો સહારો ખૂબ જ મહત્વનો રહ્યો છે. કંઈક કરવું હોય તો મિત્રનો સહારો જરૂરી બનતો હોય છે. સૌપ્રથમવાર વર્ષ 2012માં વિપુલભાઈ તેમના 5 મિત્રોના સહારે ગિરનાર પર આવ્યા હતા. તે સમયે તેમને વિચાર પણ ન હતો કે તે ગિરનાર સર કરી શકશે, પરંતુ મિત્રોના સહારાથી તે શક્ય બન્યું.ત્યારબાદ આજ દિવસ સુધી દર વર્ષે તેઓ ગિરનારની યાત્રા કરવા આવે છે અને અન્ય મિત્રોને પણ સાથે લાવે છે.આ વર્ષે 11મી વારની યાત્રામાં 65 જેટલા તેમના મિત્રો તેમના સથવારા માટે સાથે આવ્યા હતા.આ પહેલા, જ્યારે નવમી વખત વિપુલભાઈ ગિરનાર સર કરીને આવ્યા હતા, ત્યારે 105 જેટલા મિત્રો તેમની સાથે જોડાયા હતા. ​વિપુલભાઈ વિકલાંગ હોવા છતાં આ યાત્રા કરે છે, જેથી તેમના મિત્રો સૌ કોઈ પ્રેરિત થઈ અને દર વર્ષે અલગ અલગ લોકો તેની સાથે આ ગિરનારની યાત્રા કરવા માટે જોડાય છે. આ તમામ મિત્રો વિપુલભાઈને ડગલેને પગલે સાથ-સહકાર આપી તેમના મનોબળને મક્કમ કરતા હતા, જેનો આભાર વિપુલભાઈ શબ્દોમાં વર્ણવી શકતા નથી. વેબ ડિઝાઈનીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે વિપુલભાઈ
​​મૂળ અમરેલી જિલ્લાના ચાવંડ ગામના અને રાજકોટમાં વેબ ડિઝાઇનિંગનો બિઝનેસ કરતા વિપુલ બોકરવાડીયાએ પોતાના શબ્દોમાં જણાવ્યું હતું. “હું બાળપણથી હિંમત હાર્યો નહોતો અને મનની મક્કમતા સાથે મારે પણ સમાજમાં મારા ખુદની એક નવી ઓળખ ઊભી કરવી છે તે વિચારી જીવવાનું શરૂ કર્યું હતું. મને પહેલેથી જ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે. 2012માં પહેલીવાર મિત્રો સાથે ગિરનાર ચડવા આવ્યો, તે સમયે મેં કોઈ ટાર્ગેટ નક્કી કર્યો નહોતો. બસ, જેટલો પણ ગિરનાર ચડાય તેટલો મારે ચડવો છે તેવો દ્રઢ સંકલ્પ કર્યો હતો. તે સમયે, પહેલી જ વાર હું અહીં આવ્યો ત્યારે મને ગિરનારના પગથિયે પગથિયે દિવ્ય શક્તિનો અલગ જ અનુભૂતિ થયો, અને હું મારા આત્મબળથી દત્તાત્રેય સુધી પહોંચી ગયો. આજે હું 11મી વખત અહીં ગિરનાર ચડવા માટે આવ્યો છું. હું જ્યારે ગિરનાર ચડવાનો શરૂ કર્યો ત્યારે મારી સાથે માત્ર 5 મિત્રો આવ્યા હતા; આજે એ 5 માંથી 65 મિત્રો મારી સાથે ગિરનાર ચડવા આવ્યા, જે મારા માટે ખૂબ ગર્વની વાત છે.” ​વિપુલભાઈ છેલ્લા 13 વર્ષમાં 11 વાર ગિરનાર પર પગે નહીં પરંતુ હાથે યાત્રા કરીને એક નવી જ્યોત પ્રગટાવી રહ્યા છે. તેમની આ ગિરનાર યાત્રા અને ગરીબ લોકોની સેવા કરવાની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. 2 વર્ષની ઉંમરે પોલિયાના કારણે 80 ટકા દિવ્યાંગતા આવી
આજે વિપુલભાઈ બોકરવાડીયાની ગાથા માત્ર એક પર્વત સર કરવાની વાત નથી, પરંતુ જીવનમાં ક્યારેય હાર ન માનવાના અડગ મનોબળની જીવંત મશાલ છે. જ્યારે શરીરના અંગોએ સાથ છોડ્યો, ત્યારે વિપુલભાઈએ હૃદયની હિંમત અને આસ્થાને પોતાનું બળ બનાવ્યું. 2 વર્ષની ઉંમરે પોલિયોના કારણે 80% દિવ્યાંગતા હોવા છતાં, તેમણે ‘ન કરવું હોય તો બહાના અને કરવું હોય તો રસ્તા’ શોધ્યા. તેમણે પગથિયે પગથિયે પીડા સહન કરીને 11મી વખત ગિરનાર સર કરીને સાબિત કરી દીધું કે, તમારી મર્યાદાઓ તમારા શરીર નહીં, પણ તમારા મગજમાં છે. જો તમે દ્રઢ સંકલ્પ કરી લો, તો ગરવો ગઢ ગિરનાર કે હિમાલયની ઊંચાઈ પણ તમને નડી શકતી નથી. વિપુલભાઈની આ અસાધારણ યાત્રા આપણને સૌને પ્રેરણા આપે છે કે, ગમે તેવા સંજોગોમાં પણ, આસ્થા અને મક્કમતાથી કામ લઈએ તો જીવનનો દરેક પડકાર એક નવી ઊર્જા અને વિજયની અનુભૂતિ આપી શકે છે. હિંમત હાર્યા વિના આગળ વધો, આખું બ્રહ્માંડ તમારી મદદમાં આવશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!