ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામું સોંપ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે. જેઠાભાઈ આહીરે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓની વ્યસ્તતાને કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં રાજીનામું આપ્યું
આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં આ રાજીનામું સોંપવામાં આવ્યું હતું. સંગઠનના કાર્યો અને અન્ય વહીવટી જવાબદારીઓને પૂરતો સમય આપી શકાય તે હેતુથી જેઠાભાઈએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે, જેની હવે ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. જેઠાભાઈનું માર્ગદર્શન અગાઉ પણ મળતું રહ્યું છે અને આગળ પણ મળતું રહેશે- જીતુ વાઘાણી
જેઠાભાઈ ભરવાડના રાજીનામા અંગે ભાજપના નેતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, જેઠાભાઈ ભાજપના સ્વીકૃત અને મોટાગજાના નેતા છે અને આજે પણ જનતાના હૃદયમાં વસે છે. સમયની વ્યસ્તતા કારણે તેઓએ પાર્ટીને રાજીનામું આપવા અંગે અનેક વખત રજૂઆત કરી હતી. જેઠાભાઈના પ્રયાસોથી દૂધ મંડળીઓને પંચમહાલ ડેરીમાં સીધા પૈસા મળતા થયા હતા, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થયું છે. આજે અધ્યક્ષના નિવાસે જેઠાભાઈએ ઉપાધ્યક્ષ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું. કોણ છે જેઠા ભરવાડ?
પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ સતત વિવાદમાં રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટનાં તરસંગ ગામે જૂથઅથડામણની ઘટના બની, જેમાં જેઠા ભરવાડના માથે ઇજા પહોંચી હતી. સમગ્ર ચૂંટણીમાં આ ઘટનાને કદાચ સૌથી મોટી જૂથઅથડામણની ઘટના ગણી શકાય. ઘટના બાદ પહેલા સમાચાર આવ્યા કે જેઠા ભરવાડ પર ગોળીબાર થયો છે. જોકે પછી જાણમાં આવ્યું હતું કે જેઠા ભરવાડના ગાર્ડે ગોળીબાર કર્યો હતો. આ અથડામણ કોઇ પક્ષ દ્વારા બૂથ કેપ્ચરિંગનાં પ્રયાસને કારણે બની હોવાનું કહેવાય છે. જે હોય તે, પરંતુ જેઠા ભરવાડ હંમેશાં વિવાદમાં રહેતા આવ્યા છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!