(નુગર) મહેસાણા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો

સાંસદ ખેલ મહોત્સવમાં વિજેતા થયેલા 764 જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને ટ્રેકશુટ આપી સન્માનિત કરાયા
ગ્રામીણ યુવાનો આજે રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ મેળવી રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે
સ્પોર્ટ્સ એ એક સંસ્કૃતિ છે અને સ્પોર્ટ્સ એક શક્તિ છે
– લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ
રમતગમતને પ્રાધાન્ય મળે તે માટે સરકારની વિવિધ ભરતીઓમાં સ્પોર્ટ્સ ક્વોટા રાખવાની જોગવાઈ
– રાજ્ય સભા સાંસદ શ્રી મયંકભાઇ નાયક
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચોરાસી સંકુલ, નુગર મહેસાણા ખાતે લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા આયોજિત મહેસાણા લોકસભા મત વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા 764 જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને ટ્રેકશુટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશનો સર્વાંગી વિકાસ થયો છે. વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય દેશના યુવાનોનો સર્વાંગી વિકાસ અને સ્વસ્થ જીવન શૈલી કેળવવાનો છે તેમજ રમતગમતના માધ્યમથી યુવાનોમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શક્તિ તેમજ આત્મિક ઉન્નતિ વિકસાવાનો છે. આ રમતગમત થકી યુવાનોને શિસ્ત, સમય પાલન શીખવવા માટે આવા કાર્યક્રમોનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે સ્પોર્ટ્સ એ એક સંસ્કૃતિ છે અને સ્પોર્ટ્સ એક શક્તિ છે.
વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, મહેસાણા લોકસભા વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોની સ્પર્ધા યોજાઈ હતી. આ સાંસદ ખેલ મહોત્સવમાં 75 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી ના દુરંદેશી નેતૃત્વ હેઠળ ‘ખેલો ઇન્ડિયા, જીતો ઇન્ડિયા’ ના સુત્ર સાથે રમતવીરોનું કૌશલ્ય બહાર લાવવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આવા કાર્યક્રમોના માધ્યમથી ગ્રામીણ યુવાનો આજે રમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ મેળવી રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સુશાસન દિન નિમિત્તે સ્વ. અટલબિહારી વાજપાઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મહેસાણા જિલ્લાના વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ મેળવનાર રમતવીરોને મહાનુભવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, બેચરાજી ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, ઊંઝા ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ, કડી ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડા, GCCMMF ના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા કલેકટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, મહેસાણા એપીએમસી ચેરમેન શ્રી જયંતીભાઈ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કિલ્લોલ સાપરિયા તેમજ જિલ્લાના અગ્રણીઓ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
