સુરેન્દ્રનગર જિલ્લાના પારડીમાં 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રિવરફ્રન્ટની કામગીરી થઇ રહી છે. ત્રણ ફેઇઝમાં બનતા 5.5 કિ.મી લાંબા રિવરફ્રન્ટના પ્રથમ ફેઇઝનું કામ 7.61 કરોડના ખર્ચે પૂર્ણ થઇ ગયું છે. જેને આગામી નવમી જાન્યુઆરીએ ખુલ્લો મુકલવામાં આવશે. ‘રિવરફ્રન્ટ’ અને ‘આગવી ઓળખ’ પ્રોજેક્ટમાં પાટડીના ઐતિહાસિક ગઢ પર લેસર શો થકી નગરનો પ્રાચીન ઇતિહાસ પણ જોવા મળશે. પાટડીની 35,000ની વસ્તીને નવા વર્ષની આગવી ભેંટ મળવા જઇ રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કર લોકાર્પણ પહેલાં ડ્રોન સાથે આ પ્રોજેક્ટની આગવી વિશેષતાઓ તમને બતાવી રહ્યું છે. ચાલવા માટે 2 મીટર પહોળો રસ્તો
પાટડીમાં રૂ. 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રિવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતા નગરજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ યોજનામાં પાટડી ગામ તળાવની ફરતે ખોડિયાર માતાના મંદિરથી સાંઇબાબાના મંદિર સુધી 12 મીટર પહોળો અને 4 મીટર ઊંચો પાળો બનાવવામાં આવ્યો છે અને તળાવની પાળ ફરતે 2 મીટર પહોળો પેવર બ્લોકનો ચાલવા માટેનો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તળાવની ફરતે સ્ટ્રીટ લાઇટની સાથે ઝળહળતી રોશનીનું કામ અત્યારે ચાલી રહ્યું છે. આ ઉપરાંત તળાવની પાળ ઉપર પથ્થરનું પીચીંગનું કામ કરવામાં આવ્યુ છે. વધુમાં તળાવ કિનારે આવેલી જૂની ગ્રામ પંચાયત કચેરી પાસે અદ્યતન બગીચો બનાવવામાં આવ્યો છે. બાળકો માટે રમતગમતના આધુનિક સાધનો
આ પ્રોજેક્ટમાં પેવર બ્લોકનું પાર્કિંગ, બે શૌચાલય, વૃક્ષો અને લોન ઉગાડવાનું, સર્કલ અને ફુવારો બનાવવાનું તેમજ બાળકો માટે રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. તળાવની પાળ ફરતે અને બગીચામાં સ્ટ્રીટ લાઇટથી નયનરમ્ય નજારો ઊભો કરવામાં આવ્યો છે. જેનાથી પાટડી નગરજનો અને શક્તિમાતાના મંદિરે આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે આ રમણીય નજારો આજીવન સંભારણું બની રહેશે. ઐતિહાસિક ગામ તળાવ પણ પાણીથી ભરાશે
આ પ્રોજેક્ટ અંગે વાત કરતા પાટડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ મૌલેશ પરીખે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પાટડીમાં રૂ. 21 કરોડના રીવરફ્રન્ટના પ્રોજેક્ટમાં પ્રથમ ફેઇઝમાં 2 કિ.મી.ના રીવર ફ્રન્ટ માટે રૂ. 7.61 કરોડ મંજૂર કરાયા હતા. વધુમાં પાટડીમાં સુએજ પ્લાન્ટ યોજના દ્વારા ગંદા પાણીને શુધ્ધ કરીને પાટડીનું આ ઐતિહાસિક ગામ તળાવ ભરવામાં આવશે. જેથી તળાવ બારેમાસ ભરાયેલું રહેશે અને આ તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાથી પાટડી નગરજનો માટે આ ફરવાલાયક આહલદાયક સ્થળ બની રહેશે. પાળામાં પથ્થર પેચિંગ અને ઉપરના ભાગે ગ્રીલ
એમણે વધુ વિગત આપતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પાટડી નગરની અંદર 385 એકરમા છવાયેલું મોટું પાટડી નગરપાલિકાની માલિકીનું તળાવ છે. તેનો ઘેરાવો ચાર કિ.મીનો છે. ગુજરાત સરકાર પાસે અમે અહીં રિવરફ્રન્ટ બનાવવા માટેનો રૂ. 20થી 21 કરોડનો એક આખો પ્રોજેક્ટ મુક્યો હતો. એમાં ગુજરાત સરકારે ફેઇઝ-1મા રૂ. 7.61 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હતી. જેમાંથી 1600 મીટર સુધી જે ગામને લગત છે એવા એરિયાની અંદર સાઈબાબાના મંદિરથી લઈ કડવા પાટીદાર હોલ થઇ શક્તિમાતાના મંદિર ખોડિયાર માતાના મંદિર સુધી 1600 મીટરમાં પાળો બન્યો છે. એમાં પથ્થર પેચિંગ કરી એની ઉપર ગ્રીલ લગાવવામાં આવી છે. ફૂટપાથ વચ્ચે ઝાડવા રોપાયા
મૌલેશ પરીખે વધુમાં જણાવ્યું કે, અહીં બ્લોકથી ફૂટપાથ બનાવવામાં આવ્યો છે. એમાં વચ્ચે ઝાડવાઓ રોપવામાં આવ્યા છે. વચ્ચે સ્ટ્રીટ લાઈટો સાથે દરેક લોકોને ફરવા લાયક અને સારુ સ્થળ આકાર લીધું છે. જેનાથી ગામ તળાવ પણ ખુબ ઊંડું થયું છે. જેનાથી તળાવમાં પાણીનો ભરાવો રહેશે. જેનાથી ખેડૂતો, ગ્રામજનો અને પશુઓને પણ આનો અનેક ઘણો લાભ મળશે. પ્રથમ, બીજા અને ત્રીજા ફેઇઝમા મળીને કુલ રૂ. 21 કરોડ ખર્ચ થશે અને એનો પ્રથમ ફેઇઝ હાલમાં પૂર્ણ થયો છે. ઐતિહાસિક ગઢ પર લેસર શો
એમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં પાટડીના ઐતિહાસિક ગઢ પર લેસર શો દ્વારા પાટડીનો પ્રાચીન ઇતિહાસ જોવા મળશે, ત્યારે પાટડીની 35,000ની વસ્તીને નવા વર્ષની આગવી ભેંટ મળશે. અહીં વિરમગામથી બેચરાજી જવા માટે અને પાટડી નગરમાંથી બેચરાજી જવા માટેના બે બાયપાસ રોડ બનશે, રૂ. 7.61 કરોડના ખર્ચે તળાવ બ્યુટીફિકેશન રીવર ફ્રન્ટ, રૂ. 2.64 કરોડના ખર્ચે આગવી ઓળખનો પ્રોજેક્ટ, રૂ. 1.75 કરોડના ખર્ચે વન વિભાગ દ્વારા તૈયાર થનારો અધ્યતન બગીચો બનશે, રૂ. 1.50 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટો લાગશે, રૂ. 30 લાખના ખર્ચે અમૃત ગાર્ડન બનશે. જૂના ઘાટને પણ રિનોવેશન કરાશે
આ અંગે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુભાઇ ખાંભલાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમા નવા ઘાટમાં દલિત વાસ અને માતાના આરે એ બંને જૂના ઘાટને રિનોવેશન કરી સારા ઘાટ બનાવીશું અને ત્યાં આગળ કપડાં ધોવાની અને લોકોને નહાવાની જે સુવિધા છે, એ પણ આવશે અને સાથે પશુઓને પણ તળાવમાંથી પાણીની સુવિધા મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ રિવરફ્રન્ટ બનતા પાટડીમા એક સારામાં સારુ ફરવા લાયક સ્થળ કે જે અત્યારે પાટડીમા કોઈ જગ્યાએ છે નહીં. ચારેબાજુ રિવરફ્રન્ટ બનશે. એમાંય એક ફેઇઝ બનતા હજી લોકોને વધુ ખ્યાલ નહીં આવે પણ જ્યારે બીજા ત્રણેય ફેઇઝ પુરા થશે ત્યારે પાટડી માટે ભવિષ્યમા એક અનોખું નજરાણું સાથે ફરવાલાયક સ્થળ બનશે. બહારથી પણ લોકો ફરવા આવશે
આ અંગે પાટડી નગરપાલિકાના મહિલા પ્રમુખ ચેતનાબેન વિજયભાઈ ચંદારાણા અને મહિલા કારોબારી ચેરમેન ગીતાબેન ભરતભાઈ વરસાણીએ જણાવ્યું હતું કે, આ રિવરફ્રન્ટ બનતા અમારે બહેનોને ખુબ જ ફાયદો થશે. કેમ કે, અત્યારે અમારે બહેનોને પાટડીમાં કયાંય કોઈ જગ્યાએ ફરવાલાયક સ્થળ હતું જ નહીં. જયારે આ રિવરફ્રન્ટથી અમારે બહેનોને એટલો બધો ઉત્સાહ હશે કે બાળકો સહિત સમગ્ર પરિવારજનો માટે સુંદર નયનરમ્ય સ્થળ બની રહેશે અને પાટડી ગામના જ નહીં પરંતુ બહારગામનો લોકો માટે પણ આ રિવરફ્રન્ટ આકર્ષણનું અનોખું કેન્દ્ર બની રહેશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!