બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઇ ગામ વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં બેફામ રીતે રેતી ચોરી થતી હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે.

રાતદિવસ કોઈપણ ભય વગર ટ્રેક્ટરો અને ડમ્પરો દ્વારા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવામાં આવી રહી હોવાના આક્ષેપો સ્થાનિક ગ્રામજનોએ કર્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાસ નદીમાંથી રેતી ઉપાડવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી કે નિયમોનું પાલન કરવામાં આવતું નથી. રેતી ચોરીના કારણે નદીના કુદરતી વહેણને નુકસાન પહોંચી રહ્યું છે, તેમજ આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ પણ વધી રહી છે.

આ સમગ્ર બાબત અંગે જાગૃત નાગરિકો અને મીડિયા દ્વારા ખનિજ વિભાગના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખનિજ ખાતું માત્ર કાગળ પર જ સક્રિય છે કે શું? એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

રેતી ચોરી સાથે જોડાયેલા વાહનો દિવસ દરમિયાન તેમજ રાત્રિના અંધારામાં પણ ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતા હોવાથી ગ્રામજનોને પણ જોખમ ઊભું થયું છે. ખાસ કરીને સ્કૂલમાં જતા નાનાં બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ માટે આ ટ્રેક્ટરો ખતરનાક સાબિત થઈ રહ્યા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ખનિજ માફિયાઓને સ્થાનિક સ્તરે કોઈનો ભય રહ્યો નથી અને તંત્રની નિષ્ક્રિયતા તેમને પ્રોત્સાહન આપી રહી છે. જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં ગંભીર અકસ્માત કે પર્યાવરણને ભારે નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં.

આ મામલે લોકોમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે ખનિજ ખાતું ક્યારે કાર્યવાહી કરશે?

શું કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે?

કે પછી ગેરકાયદેસર રેતી ચોરી સામે કડક પગલાં લેવામાં આવશે?

સ્થાનિક ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે

બનાસ નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી તાત્કાલિક બંધ કરવામાં આવે

સંડોવાયેલા ટ્રેક્ટરો અને ડમ્પરો જપ્ત કરવામાં આવે

જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે

નદી અને પર્યાવરણના રક્ષણ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે

હવે જોવાનું રહ્યું છે કે ખનિજ ખાતું આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે, કે પછી ફરી એક વખત લોકોની ફરિયાદો ફક્ત ફાઈલોમાં જ દફન થઈ જશે.

ચાલુ સ્કૂલ સમય દરમિયાન બેફામ રેતી ભરેલા ટ્રેક્ટરો દોડતા હોવાની ગંભીર ફરિયાદ:

નાનાં બાળકોના જીવને જોખમ, બનાસકાંઠા ખનિજ ખાતું આંખ આડા કાન કરે છે

વિસ્તારની સ્કૂલો ચાલુ હોય તે સમય દરમિયાન માર્ગો પર બેફામ રીતે ઓવરલોડ રેતી ભરેલા ટ્રેક્ટરો દોડતા હોવાની ચોંકાવનારી પરિસ્થિતિ સામે આવી છે.

ખાસ કરીને સ્કૂલ આસપાસ તથા રહેણાંક વિસ્તારોમાંથી દિવસ દરમિયાન વારંવાર રેતી ભરેલા ટ્રેક્ટરો પસાર થવાથી સ્કૂલમાં આવતા-જતા નાનાં બાળકોના જીવને ગંભીર જોખમ ઉભું થયું છે.

સ્થાનિક જાગૃત નાગરિકો અને મીડિયા દ્વારા અનેક વખત ખનિજ વિભાગના અધિકારીઓને આ ગંભીર બાબત અંગે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ખનિજ ખાતું જાણે કે આંખ આડા કાન કરી બેઠું હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. નિયમો મુજબ સ્કૂલ સમય દરમિયાન ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ હોવું જરૂરી છે, છતાં હકીકતમાં કોઈ કાર્યવાહી કે દેખરેખ જોવા મળતી નથી.

સ્કૂલ સમય દરમિયાન નાનાં બાળકો પગપાળા કે સાઇકલ પર સ્કૂલમાં જાય છે. તે સમયે અચાનક ઝડપથી પસાર થતા ઓવરલોડ ટ્રેક્ટરો કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. રેતીથી ભરેલા ટ્રેક્ટરોમાં ઘણીવાર ન તો નંબર પ્લેટ સ્પષ્ટ હોય છે, ન તો સલામતીના કોઈ નિયમોનું પાલન થતું હોય છે, જે સ્થિતિને વધુ ભયજનક બનાવે છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રેતી ચોરી અને ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવી જેનું મુખ્ય જવાબદારી ખનિજ વિભાગની છે, તે વિભાગની નિષ્ક્રિયતાના કારણે રેતી માફિયાઓને ખુલ્લું મેદાન મળી ગયું છે. પરિણામે સ્કૂલના બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકો સતત અકસ્માતના ભયમાં જીવન પસાર કરી રહ્યા છે.

લોકોમાં આ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે જો આવાં બેફામ રેતી ભરેલા ટ્રેક્ટરોના કારણે કોઈ સ્કૂલના બાળક કે રહેણાંક વિસ્તારમાં કોઈ નાગરિક સાથે અકસ્માત થાય, તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી કોણ લેશે?

ખનિજ વિભાગ? સ્થાનિક વહીવટ? કે પછી પોલીસ તંત્ર?

સ્થાનિકો દ્વારા તાત્કાલિક માંગ ઉઠાવવામાં આવી છે કે

સ્કૂલ સમય દરમિયાન રેતી ભરેલા ટ્રેક્ટરોની અવરજવર પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે

ઓવરલોડ તથા ગેરકાયદેસર રેતી વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે

સ્કૂલ આસપાસ તથા રહેણાંક વિસ્તારોમાં પોલીસ અને તંત્ર દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે

બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સ્પીડ બ્રેકર તથા ચેતવણી બોર્ડ લગાવવામાં આવે

જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય નહીં, અને ત્યારબાદ માત્ર તપાસના આદેશો અને અફસોસ જ બાકી રહેશે – તેવી ચિંતા સ્થાનિક નાગરિકો ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે.

The Gujarat Live News અહેવાલ ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!