રાધનપુર | મકરસંક્રાંતિ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓના કારણે માનવજીવન અને પક્ષીઓના જીવને ગંભીર જોખમ ઊભું થતું હોવાને લઈ રાજ્ય પોલીસ તંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

આ સૂચનાના અનુસંધાને રાધનપુર પોલીસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ કચ્છ-ભુજ), પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી (પાટણ) તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ રેણુકાનાઓની માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ સ્થળોએ તપાસ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ ફીરકી નંગ-76, જેની અંદાજિત કિંમત રૂ.31,150/- થાય છે તે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ બાબતે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.

જેમાં રવિભાઈ અમરતભાઈ રાવળ (ઉ.વ. 20), યતિનકુમાર અશોકભાઈ ઠક્કર (ઉ.વ. 25) તથા ધીરુભાઈ બળદેવભાઈ પ્રજાપતિ (ઉ.વ. 32) વિરુદ્ધ બી.એન.એસ. કલમ-223 હેઠળ ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત ચાઈનીઝ દોરીના વેચાણ માટે સામાન પૂરું પાડનાર બે આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેમાં વાહેદપુરા (તા. સમી)નો વિપુલભાઈ ઠાકોર તથા જુનાગંજ પાટણનો આશિષ પતંગ ભંડારનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ ટીમો બનાવી તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે તથા આવા ગેરકાયદેસર વેચાણની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરે. જનસુરક્ષા અને પર્યાવરણની રક્ષા માટે આવું ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!