નગરસેવક જયાબેન ઠાકોર સાથે સ્થાનિક જાગૃત યુવાનો રાહુલભાઈ પરમાર, કવિતાબેન શ્રીમાળી, જડીબેન સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રૂબરૂ મુલાકાત દરમિયાન ગંભીર સામાજિક સમસ્યા પ્રકાશમાં આવી હતી.

મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આજના આધુનિક અને ડિજિટલ યુગમાં, જ્યાં સરકાર ‘શિક્ષણ સર્વે માટે’ અને ‘બેટી બચાવો, બેટી ભણાવો’ જેવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, ત્યાં રાધનપુરમાં આશરે 15 થી 20 બાળકો માત્ર આધારકાર્ડ અને જન્મ દાખલા ન હોવાના કારણે શાળામાં પ્રવેશ મેળવી શકતા નથી. પરિણામે આ બાળકો શિક્ષણથી વંચિત રહી જઈ તેમનું ભવિષ્ય અંધકારમય બનતું જાય છે.
નાગરસેવક જયાબેન ઠાકોર નું કહેવું છે કે આ પરિવારો વર્ષોથી રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરે છે, છતાં આજ સુધી તેમના બાળકોના જન્મ નોંધણી તથા આધારકાર્ડ જેવી આવશ્યક દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ નથી. દસ્તાવેજોની અછતને કારણે બાળકોને શાળામાં દાખલ કરવામાં શાળાપ્રશાસન પણ અસહાયતા વ્યક્ત કરે છે.
નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને માત્ર દસ્તાવેજોની ખામીના કારણે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહે તે દુર્ભાગ્યજનક છે. તેમણે આ બાબતે નગરપાલિકા તેમજ સંબંધિત વિભાગો સાથે સંકલન કરી તાત્કાલિક ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું હતું.
સ્થાનિક જાગૃત યુવાન રાહુલભાઈ પરમારે જણાવ્યું કે જો વહેલી તકે આધારકાર્ડ અને જન્મ દાખલાની પ્રક્રિયા શરૂ નહીં થાય તો બાળકોનું એક આખું શૈક્ષણિક વર્ષ બગડી શકે છે. તેમણે સરકાર તથા જિલ્લા તંત્રને વિનંતી કરી કે સ્થળ પર કેમ્પ યોજી દસ્તાવેજોની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવે.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે જ્યારે સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે, ત્યારે દસ્તાવેજોની અછતના કારણે બાળકોને શિક્ષણથી દૂર રાખવું કેટલું ન્યાયસંગત છે?
હવે જોવાનું રહ્યું કે સંબંધિત વિભાગો આ ગંભીર મુદ્દે કેટલા ઝડપથી પગલાં ભરે છે અને રાધનપુરના આ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં કેટલો સમય લાગે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
