પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલા નેશનલ હાઇવે નંબર–27 પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ગટર વ્યવસ્થા હાલ બેદરકારીનો ભોગ બની છે.


હાઇવેની સર્વિસ રોડની બંને સાઈડ આવેલી ગટરનાં ઢાંકણા ખુલ્લા પડી રહેતા અને ગટર જર્જરીત બનતા ગંદું પાણી રસ્તા ઉપર ફરી વળે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.
સાંતલપુર બસ સ્ટેન્ડ આસપાસ તેમજ હાઇવે રોડ પર ગટરના ગંદા પાણીથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. પાણી ભરાવાના કારણે રોડ પર ખાડા પડી ગયા છે, જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે તેમજ પગપાળા ચાલતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટરના ગંદા પાણીના સંપર્કથી લોકો ત્વચા રોગ અને અન્ય બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
સાંતલપુર તાલુકાનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં આસપાસના 30થી 40 ગામોના લોકો રોજિંદી ખરીદી અને કામકાજ માટે આવતા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે બહારથી આવતા લોકો પણ પરેશાન બની રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં અવરજવરમાં અડચણ સર્જાઈ છે.
એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાનની વાત કરે છે, ત્યારે બીજી તરફ સાંતલપુર જેવા મહત્વના વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ નેશનલ હાઇવે ઓથોરિટીને તાત્કાલિક ધોરણે ખુલ્લી ગટર બંધ કરી, જર્જરીત ગટરનું કાયમી સમારકામ કરી ગંદા પાણીનો નિકાલ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ચેતવણી પણ લોકોએ ઉચ્ચારી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
