ગત સોમવારે (૧૨ જાન્યુઆરી, ૨૦૨૬) તુરખા ગામની એક સગીરાને ચાર શખ્સો બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયા હતા. આ મામલે સગીરાના પરિવારે હિંમત દાખવીને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદનો ખાર રાખીને આરોપીઓએ અન્ય માથાભારે શખ્સો સાથે મળીને પીડિત પરિવાર પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું.
જ્યારે પરિવાર ઘરે જમી રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો, પાઈપ અને ધોકા વડે ઓચિંતો હુમલો કર્યો. આ હુમલામાં ૬૦ વર્ષીય વૃદ્ધા નું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ૬ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાળીયાદ પોલીસની બેદરકારી પર સવાલો
પરિવાર અને ગ્રામજનોમાં પાળીયાદ પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના મુખ્ય કારણો આ મુજબ છે:
POCSO જેવી ગંભીર ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવાર પર હુમલો થઈ શકે તેવી શક્યતા હોવા છતાં પોલીસે તેમને પૂરતી સુરક્ષા કેમ ન આપી?
ફરિયાદ નોંધાયા બાદ જો આરોપીઓની તુરંત ધરપકડ કરવામાં આવી હોત, તો આ ખૂની ખેલ રોકી શકાયો હોત તેવો આક્ષેપ પરિવારે કર્યો છે.
ન્યાયની માંગ સાથે પરિવારે અત્યારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. તેમની માંગ છે કે જ્યાં સુધી પોક્સો અને હત્યાના તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે.
તુરખા ગામમાં હાલમાં ભારે તંગદિલી હોવાથી તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ (DySP અને SP) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે.
The Gujarat Live News રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ
