તા:18-01-2026 ના રોજ મોડાસા સ્થિત સર્કિટ હાઉસ ખાતે અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકની અધ્યક્ષતા ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રભારી શ્રી નિખિલ દ્વિવેદીએ કરી હતી. બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સંગઠનાત્મક વ્યૂહરચના અને યુવાનોની ભાગીદારી અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
યુવાનોને મળશે નેતૃત્વની તક:
બેઠકને સંબોધતા ગુજરાત પ્રભારી શ્રી નિખિલ દ્વિવેદી અને પ્રદેશ મહામંત્રી શ્રી વિરલ કટારિયાએ સ્પષ્ટપણે જાહેરાત કરી હતી કે, આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ૪૦ વર્ષથી ઓછી વયના સક્રિય, સંઘર્ષશીલ અને પાયાના કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, “કોંગ્રેસ પક્ષ યુવાનોની તાકાત, વિચાર અને ઊર્જા પર ભરોસો રાખે છે. આગામી ચૂંટણીઓમાં યુવાનો જ પરિવર્તનનો ચહેરો બનશે.”
સંગઠનને મજબૂત કરવા માટે કડક દિશા-નિર્દેશો:
સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા માટે પદાધિકારીઓને સ્પષ્ટ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. બેઠકમાં નીચે મુજબના નિર્ણયો લેવાયા હતા:
સંગઠનની મજબૂતી માટે દર મહિને જિલ્લા અને તાલુકા સ્તરે ફરજિયાત બેઠકો યોજવામાં આવશે.
તમામ પદાધિકારીઓ પોતપોતાના ક્ષેત્રમાં જઈને બૂથ સ્તરને મજબૂત કરવાનું કાર્ય કરશે.
યુવાનોને સ્પર્શતા મુદ્દાઓ, સ્થાનિક સમસ્યાઓ અને જનહિતના પ્રશ્નો પર સંગઠન સતત સક્રિય અને સંઘર્ષશીલ રહેશે.
વરિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન:
બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અરુણ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, વરિષ્ઠ નેતા શ્રી જયદત્તસિંહ પુવાર તથા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી આશુતોષ રાઠોડએ કાર્યકરોને સંબોધતા સંગઠનાત્મક મજબૂતી અને શિસ્ત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે મહિલા કોંગ્રેસ પ્રમુખ, SC સેલ પ્રમુખ, તમામ વિધાનસભા અને તાલુકા પ્રમુખો, જિલ્લા મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંગઠન પૂરી તાકાતથી ચૂંટણી મેદાનમાં ઉતરશે:
અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી આશુતોષ રાઠોડએ વિશ્વાસ અપાવ્યો હતો કે બેઠકમાં મળેલા દિશા-નિર્દેશોનું સંપૂર્ણ નિષ્ઠા અને કડકાઈથી પાલન કરવામાં આવશે તથા યુથ કોંગ્રેસ પૂરી તાકાત સાથે આગામી ચૂંટણીઓમાં ઉતરશે.
પ્રસ્તુતકર્તા, મીડિયા વિભાગ,અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
