પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં વર્ષ 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા વળતર પેકેજનો લાભ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ મુદ્દે આજે બાબરા ગામના ખેડૂતો દ્વારા રાધનપુર સેવાસદન ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરવામાં આવી હતી.
ખેડૂતો જણાવે છે કે અતિવૃષ્ટિના કારણે ખેતી પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. સરકારશ્રી દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં બાબરા ગામના અનેક સાચા પીડિત ખેડૂતોને આજદિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી. પરિણામે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે.
આ રજૂઆત સમયે આમ આદમી પાર્ટીના રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી, સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી, સાંતલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ બાબરા ગામના ખેડૂતો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ગામના વી.સી., ગ્રામ સેવક અને કોમ્પ્યુટર ઓપરેટરની મીલીભગતથી લાગવગ આધારિત રીતે અમુક રાજકીય આગેવાનો અને તેમના નજીકના લોકોને વળતર અપાયું છે, જ્યારે ખરેખર નુકસાન ભોગવનારા ખેડૂતોને લાભથી વંચિત રાખવામાં આવ્યા છે.
ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર વળતર પ્રક્રિયાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, દોષિત અધિકારીઓ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત ખેડૂતોને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી ખેડૂતોને ન્યાય મળી શકે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
