એક વર્ષના લાડકવાયા દીકરા સાથે માતાનુ કરુણ અંત, કેનાલમાંથી લાશ મળતાં પંથક હચમચી ઉઠ્યું
સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં એક હૃદય કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવી છે. ગડસઈ ગામની ૨૨ વર્ષીય પરિણીતા રંજનબેન, જેમનું લગ્ન બાબરી ગામમાં થયેલું હતું, તે પોતાના એક વર્ષના નિર્દોષ દીકરા અર્જુન સાથે આત્મઘાતી પગલું ભરતાં સમગ્ર પંથકમાં શોકની ગાઢ લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રંજનબેન થોડા દિવસ પહેલા પોતાના એક વર્ષના દીકરા અર્જુન સાથે બામરોલી ખાતે મામાના ઘરે આવી હતી. ગુરુવારે બપોરે આશરે બાર વાગ્યાના સુમારે દવાખાને જવાનું કહી તે પોતાના દીકરાને સાથે લઈ ઘરેથી નીકળી હતી. પરિવારજનોને લાગ્યું કે તે થોડા સમયમાં પરત ફરી આવશે, પરંતુ સાંજ પડી જવા છતાં પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. રાત્રિ દરમિયાન પણ કોઈ સંપર્ક ન થતાં પરિવારજનોએ સગાંસંબંધીઓ તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન શનિવારે સવારે અંદાજે આઠ વાગ્યાના સમયે કલ્યાપુર નજીક કેનાલમાં માતા-દીકરાના મૃતદેહ તરતાં દેખાતા સ્થાનિકોમાં ભય અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રંજનબેને પોતાના કમર પર દુપટ્ટો બાંધી પોતાના એક વર્ષના દીકરા અર્જુન સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. જોકે, આ બનાવ પાછળના સાચા કારણો શું હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. એક યુવાન માતાનું આ અંતિમ પગલું અને માત્ર એક વર્ષના નિર્દોષ બાળકનો દુઃખદ અંત લોકોને ભાવુક બનાવી રહ્યો છે. ગડસઈ, બાબરી તથા બામરોલી સહિત આસપાસના ગામોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકો આ ઘટનાને લઈને વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે અને માતા-દીકરાના અકાળ મૃત્યુને લઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
પોલીસ દ્વારા બનાવ ની તપાસ હાથ ધરવામાં આવી છે. . પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાનો સાચો ખુલાસો થઈ શકશે તેમ પોલીસે જણાવ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
