આનંદીબેન પટેલના આગમનને લઈ અતિ કડક સુરક્ષા બંદોબસ્ત — રાધનપુરમાં મુખ્ય માર્ગો સીલ, વિકલ્પ માર્ગ ન હોવાથી લોકો ફસાયા

પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં આજે VVIP આગમન સામાન્ય જનતા માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના કાફલા માટે ગોઠવાયેલા સુરક્ષા બંદોબસ્ત દરમિયાન શહેરના મુખ્ય માર્ગો સંપૂર્ણ રીતે બંધ કરી દેવાતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

રાધનપુર હાઈવે ચાર રસ્તા, સુઈગામ–નડાબેટ તરફના માર્ગો તેમજ હોનેસ્ટ હોટેલ આસપાસ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સરકારી બસોમાં બેઠેલા મુસાફરો, બાઈક, રિક્ષા અને કારચાલકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ અટવાઈ ગયા હતા. ભારે ગરમીમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ રસ્તા પર ઉભા રહેવા મજબૂર બન્યા હતા.

સૌથી ગંભીર બાબત એ હતી કે હોસ્પિટલ તરફ જતા દર્દીઓ અને તેમના સ્વજનોને પણ રોકવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. કેટલાક દર્દીઓને સમયસર સારવાર ન મળી શકી હોવાની ફરિયાદોથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા હતા —

“VVIP માટે ગ્રીન કોરિડોર છે, પરંતુ દર્દીઓ માટે કેમ નહીં?”

સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની પૂર્વ જાણકારી કે ટ્રાફિક ડાયવર્ઝન ન હોવાથી આખો દિવસ વેપાર ઠપ્પ રહ્યો. દુકાનો સુધી ગ્રાહકો પહોંચી શક્યા નહીં અને દૈનિક કમાણી પર જીવતા મજૂરોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. બસ સ્ટેન્ડ અને રસ્તાઓ પર મુસાફરો કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા હતા.

નાગરિકોએ માંગ કરી છે કે આવનારા સમયમાં આવા કાર્યક્રમો પહેલાં જાહેર સૂચના આપવામાં આવે, ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગો ગોઠવવામાં આવે તેમજ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ માટે અલગ ગ્રીન કોરિડોર રાખવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, છતાં આજના આયોજનમાં જનસુવિધા પ્રત્યે ગંભીર બેદરકારી દેખાઈ આવી. રાધનપુરમાં આજનો દિવસ એક મોટો સવાલ છોડી ગયો

“VVIP સુરક્ષા જરૂરી છે, પરંતુ શું સામાન્ય જનતા અને દર્દીઓની સુવિધા અવગણ્ય છે?”

આ સમગ્ર ઘટનાએ તંત્ર સામે નાગરિકોમાં અસંતોષ અને નારાજગીની લાગણીને વધુ ઘેરી બનાવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!