પાટણ શહેરમાં નિલમ સિનેમા નજીક થયેલા ફાયરીંગ સાથેના હત્યાકાંડમાં પાટણ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના દિવસોમાં જ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બે આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ તા. 12 માર્ચ 2026ના રોજ સવારે લગભગ 11:15 વાગ્યે બુકડી વિસ્તારમાં રહેતા યુસુફખાન ચાંદખાન પઠાણ પોતાની સ્વિફ્ટ કારમાં બુકડીથી જુનાગંજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નિલમ સિનેમા પાસે આરોપીઓએ તેમની કાર અટકાવી અને એક આરોપીએ રિવોલ્વર જેવા હથિયારથી ફાયરીંગ કરતાં યુસુફખાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાને પગલે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો અને અન્ય ટીમોને તપાસ માટે સક્રિય કરવામાં આવી હતી.

ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી. મળેલી બાતમી મુજબ વડુ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી પોલીસે મહિન્દ્રા ઝાયલો કાર (GJ-24-A-8316) રોકી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.

મુખ્ય આરોપી ઝહીર ઉર્ફે ખોખરોએ ફાયરીંગ માટે વપરાયેલ હથિયાર વડનગરના મોસીન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણને આપ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ પોલીસે આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું તેની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

આ કેસમાં મહોમદખાન કુંભેખાન બલોચ અને મોસીન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણ હજુ ફરાર છે અને તેમની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.

પોલીસે આરોપીઓ પાસેથી મહિન્દ્રા ઝાયલો કાર તથા ચાર મોબાઇલ મળી કુલ અંદાજે રૂ. 4.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!