પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. દિલીપ ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડીયા ઠાકોરે તેની પત્ની ચકુબેનની હત્યા કરી નાખી છે. આ દંપતીને ચાર સંતાનો છે. સોમવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. દિલીપે પત્નીને આવેશમાં આવીને તેણે તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના માથામાં ઘા માર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે ચકુબેનને પ્રથમ ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સ્થિતિ વધુ બગડતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતક ચકુબેન મૂળ મડાણા ડાંગીયા ગામના રહેવાસી હતા. તેમના ભાઈની ફરિયાદના આધારે ગઢ પોલીસ મથકે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.
