હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે મેમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે. છેલ્લામાં પાંચ દિવસમાં ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર પહોંચી ગયો છે. સુરતમાં 11 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો અને લોકોને હીટવેવ અનુભવાઈ. સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 6.8 ડિગ્રી વધુ છે. સોમવારે નોંધાયેલા તાપમાને ચાલુ સિઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સુરેન્દ્રનગરમાં 45.5°C સાથે રાજ્યનું અને આ સિઝનનું સૌથી ગરમ શહેર રહ્યું છે. છેલ્લીવાર સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2°C નોંધાયું હતું, જે સિઝનનું વધારે હતું, પણ ગઈકાલના તાપમાને તે રેકોર્ડ તોડ્યો છે. જો બે ડિગ્રીનો વધારો નોંધાશે તો 2025નો પણ રેકોર્ડ તૂટી જશે. આકરી ગરમીને કારણે રાજ્યમાં હીટ સ્ટ્રોક, લૂ અને પેટમાં દુખાવો થવાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ગરમીને લઈને ખાસ હોર્ડ-બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સતત પાણી પીવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 17 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે (12 મે) કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો અમદાવાદ સહિતના 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસું 4 દિવસ વહેલું આવવાનું અનુમાન
દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દસ્તક આપી શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વખતે 25થી 27 મે વચ્ચે કેરળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક સિસ્ટમ બની ગઈ છે, જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત બની શકે છે. તેનાથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ વધશે. આ સિસ્ટમ ચોમાસાને ઝડપથી આગળ વધારી રહી છે. આજે વડોદરામાં આકરી ગરમી રહેવાની સંભાવના
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 44°C, ગાંધીનગરમાં 44° C, સુરતમાં 41°C, રાજકોટમાં 44°C, વડોદરામાં 45°C, અમરેલીમાં 44°C, ભૂજમાં 42°C અને ડીસામાં 39°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. 3 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં, વાતાવરણ શુષ્ક રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 17 મે સુધી સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગામી 14 મે સુધી ખાસ હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી બે દિવસનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. પવનની સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ગતિએ પવન ફૂંકાશે, જેની ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. હીટવેવ શું છે?
IMD અનુસાર, દેશમાં સામાન્ય રીતે હીટવેવ ત્યારે થાય છે જ્યારે મેદાનોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયા કિનારાની નજીકના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય છે. જો કોઈ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય, તો તેને હીટવેવ કહેવામાં આવે છે અને જો તે 6.4 ડિગ્રી વધે તો તેને સિવિયર હીટવેવ કહેવામાં આવે છે. આ પણ વાંચો… ગરમીમાં પેટના રોગોનું પ્રમાણ વધ્યું, રાજકોટમાં છેલ્લા 4 માસમાં 3059 લોકોને અસહ્ય દર્દ ઉપડતાં 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા રાજકોટમાં જાન્યુઆરી, 2026થી એપ્રિલ, 2026 દરમિયાન 3059 દર્દીઓને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અનેક એવા દર્દીઓ હશે જેમને પોતાની જાતે હોસ્પિટલ પહોંચી તબીબી સારવાર લીધી હશે. જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ અને રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, કાળઝાળ ગરમી અને લગ્નસરાની સીઝન પણ શરૂ થઇ ચુકી છે. લોકો ખાવા-પીવામાં કાળજી નથી રાખી રહ્યા, જેના કારણે ગેસ્ટ્રોના કેસમાં ખુબ વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનાની અંદર પેટમાં દુખાવો, ચૂક આવવી, ઊલ્ટી-ઉબકા થવા, જાડા થવા અને અપચાની અનેક ફરિયાદ સાથે દર્દીઓ આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ; રાજસ્થાનનું બાડમેર બીજા દિવસે સૌથી ગરમ, પારો 47.3°C યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. બિહાર અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે, ઉત્તર પ્રદેશના 38 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાવાઝોડા અને વરસાદને કારણે 5 ઘરો અને 7 ગૌશાળાઓના છાપરા ઉડી ગયા. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં હીટવેવ ચાલુ છે. દેશમાં સોમવારે રાજસ્થાનનું બાડમેર સૌથી ગરમ રહ્યું. અહીં તાપમાન 47.3°C નોંધાયું. જેસલમેરમાં 46.5°C, ફલોદીમાં 45.6°C અને બીકાનેરમાં 45.3°C તાપમાન રહ્યું. મધ્ય પ્રદેશના રતલામમાં પારો 45°C ને પાર રહ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!