ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મનપાના પદાધિકારીઓની વરણી શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી. જ્યારે આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, આણંદ-કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ સુરત મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ 3 કલાકે જાહેર થઈ શક્યા હતા. સુરતમાં મેયર પદે ફરી સૌરાષ્ટ્રીયન અને એ પણ માવાણી જ
સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે રાજન પટેલ, શાસકપક્ષના નેતા અલ્પા મહેતા તથા દંડક પદે ઊર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, ગત વખતે દક્ષેશ માવાણી મેયર પદે હતા. આમ આ વખતે પણ સૌરાષ્ટ્રવાસીને મેયર પદ મળ્યું છે. તેમાં પણ રસપ્રદ વાત એ છે કે, એ પણ માવાણીને જ શિરે મેયરપદનો તાજ મૂક્યો છે. આ પણ વાંચો: 8 મનપાના 26મીએ જાહેર થયેલા મેયર સહિતના પદાધિકારીઓની ફોટો સાથેની યાદી પાટીલ-સંઘવીના ગઢમાં 1.30 વાગ્યે માંડ માંડ નામ જાહેર થયા
ભાજપ દ્વારા આમ હવે 15માંથી 14 મનપાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સુરતના નામો જાહેર કરવામાં પરસેવો છૂટી ગયો હતો. જો કે સી.આર, પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 1.30 વાગ્યે મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા હતા. ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા
હરિફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું હતું. 3 કલાકથી નામો જાહેર ન થતાં ઉત્તેજનાભર્યો માહોલ હતો. જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે, રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય પણ સુરત મનપાના મેયર-ડેપ્ચુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. સુરતના નવા મેયર મૂળ સૌરાષ્ટ્રના, પાટીદાર વિસ્તારમાં પ્રભુત્વ
સુરતના મેયર પદની રેસમાં હાલમાં માયાબેન માવાણીનું નામ સૌથી વધારે ચર્ચામાં અને મોખરે ચાલી રહ્યું હતું. માયાબેન મૂળ સૌરાષ્ટ્રવાસી છે અને સુરતના રાજકીય રીતે અતિ સંવેદનશીલ એવા પાટીદાર વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં ખૂબ જ મજબૂત પકડ અને પ્રભુત્વ ધરાવે છે. તેઓ છેલ્લા 3 દાયકા (30 વર્ષ) કરતાં પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. વર્ષ 2007માં તેઓ મહિલા શહેર કારોબારીના સભ્ય તરીકે સક્રિય હતા અને હાલમાં પણ તેઓ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની દીર્ઘકાલીન રાજકીય સફર, પક્ષ પ્રત્યેની વફાદારી અને સ્વચ્છ છબીને કારણે તેમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને અન્ય સંસ્થાઓ સાથે ગાઢ સંબંધો
માયાબેન માવાણી માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ સુરત શહેરમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ પાટીદાર સમાજની અલગ-અલગ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. ખાસ કરીને સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓના હૃદયસમી સંસ્થા ‘સૌરાષ્ટ્ર પટેલ સમાજ’ સાથે તેઓ ઘણા વર્ષોથી ગાઢ રીતે સંકળાયેલા છે અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ સુરતના આ વિસ્તારોમાં ભાજપ માટે સામાજિક સંતુલન જાળવવું હંમેશા પડકારજનક રહ્યું છે, ત્યારે માયાબેન જેવા સામાજિક સ્વીકૃતિ ધરાવતા ચહેરાને મેયર પદ સોંપવાથી ભાજપને આગામી સમયમાં મોટો રાજકીય ફાયદો થશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. રાજકોટમાં પૂર્વ સાંસદ ચીમન શુક્લના પુત્ર મેયર
રાજકોટ મહાનગર પાલિકામાં 76 દિવસ પદાધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે. આજે રાજકોટને 23માં મેયર, 35માં ડેપ્યુટી મેયર અને 35માં સ્ટેન્ડિંગ ચેરમેન મળ્યા છે. રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણુંક માટે આટલું વિલંબ ક્યારેય નથી થયો. આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરી ચીમનભાઈ શુકલા(પૂર્વ સાંસદ)ના પુત્ર નેહલ શુકલાએ બાજી મારી છે. છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપી ને સીટ પકડી ને મેયર પદ મળ્યું
નેહલ શુકલાએ છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપી હતી અને પોતે આખરી કલાકોમાં મેન્ડેટ મેળવ્યું હતું. એ જ રીતે આજે મેયર પદ પર પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોબિંગને તોડી દઈ મેયર તરીકે પોતાનું નામ ફાઇનલ કરાયું છે. મેયર તરીકે નામ જાહેર થયા બાદ નેહલ શુક્લ દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અંજલિબેન રૂપાણીના આશીર્વાદ લીધા હતા અને અંજલિબેને તેમને તિલક કર્યું હતું. ભાવનગર મનપાના મેયર નક્કી કરવા વોટિંગ કરવું પડ્યું
જ્યારે ભાવનગર મનપાની ​સભાની શરૂઆત થતાં જ મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત સામે આવી હતી. જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેદાનમાં હતા. જેમાં સર્વાનુમતી ન સધાતા બંને દાવેદાર વચ્ચે સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ​​ઉષાબેન તલરેજા (ભાજપ) 44 મત તથા ​જશુબેન બારૈયા (કોંગ્રેસ) 8 મત મળ્યા હતા, ​ભારે બહુમતી સાથે વિજેતા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉષાબેન તલરેજાની ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી હતી. વડોદરાના મેયર સામે વિશ્વામિત્રીના પૂરનો સૌથી મોટો પડકાર
વડોદરા શહેરમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. SC અનામત મેયર પદ ગીતાબહેન મકવાણાને આપવામાં આવ્યું છે. તેમની 31માં મેયર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. સામાન્ય સભામાં તમામ ચૂંટાયેલા સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા. 20 વર્ષ બાદ વડોદરા શહેરને એસ.સી મેયર મળ્યા છે. વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનની વરણી બાદ એવી ચર્ચા છે કે, તમામની વરણીમાં સંગઠનનો હાથ ઉપર રહ્યો છે. શહેરમાં બે વર્ષ અગાઉ આવેલા પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. હવે જ્યારે ચોમાસુ નજીક છે ત્યારે પ્રિ મોનસુનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી એ પ્રાથમિકતા રહેશે. મેયર તરીકે ગીતા મકવાણાએ પદભાર સંભાળ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ થાય તે પ્રાથમિકતા રહેશે. વડોદરા શહેરના લોકોને કોઈ તકલીફ ન પડે તે બાબતને ધ્યાનમાં લેવામાં આવશે. નાની ચોકલેટની કેબિનથી મેયર પદ સુધી પહોંચ્યા
ગીતાબેન મકવાણા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. બે વર્ષ અગાઉ ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા બાદ પક્ષે તેઓને મોટી જવાબદારી આપી છે. તેઓના પરિવારમાં સાસુ, પતિ અને બે સંતાનો છે.તેમના પતિ ઉમેશભાઈ મકવાણા છેલ્લા 30 વર્ષથી ભાજપના સક્રિય અને વફાદાર કાર્યકર તરીકે પક્ષમાં સેવા આપી રહ્યા છે. પતિની આ લાંબી રાજકીય સફર અને પક્ષ પ્રત્યેની વફાદારીની હાઈકમાન્ડે યોગ્ય કદર કરી છે અને ગીતાબેનને મેયર જેવી મહત્વની જવાબદારી સોંપી છે. તેઓ વ્યવસાયે પોતાના ઘરની બહાર એક નાની ચોકલેટ કેબિન ચલાવે છે. એક સામાન્ય કેબિન ચલાવતા મહિલા આજે વડોદરા જેવા કલાનગરી અને સંસ્કારી નગરીના મેયર પદ સુધી પહોંચ્યા છે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે. વાપી મનપામાં હવે પ્રથમ ટર્મના મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેનના નામો જાહેર થઈ ગયા છે. વાપી મનપા મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, કારોબારી અધ્યક્ષ સતીશ પટેલ, દંડક સુનીતાબેન તિવારી અને પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલની નિમણૂક થઈ છે. આણંદ-કરમસદ મનપામાં કોંગ્રેસે બિન હરીફ કરવાનો પ્લાન ઉંધો વાળ્યો
આણંદ-કરમસદ મનપાના પ્રથમ મેયર પદે દીપિકાબેન પટેલની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી છે. ડે. મેયરના પદે કમલેશ ડાભી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે મયુર સુથારની નિયુક્તિ થઈ છે. સત્તાધારી પક્ષ ભાજપ આ ચૂંટણી બિનહરીફ કરાવવાનું વિચારી રહ્યો હતો, પરંતુ વિપક્ષ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા આખરે મતદાન કરાવવાની નોબત આવી હતી. પાલિકા ગૃહમાં બહુમતી ધરાવતા ભાજપ સામે કોંગ્રેસે રણનીતિ ઘડીને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો. મેયર પદ માટે યોજાયેલી આ રસપ્રદ ચૂંટણીમાં ભાજપ તરફથી દીપિકા પટેલ અને કોંગ્રેસ તરફથી નઝમાબેન પઠાણ સામસામે ચૂંટણી મેદાનમાં હતા. મતદાન પ્રક્રિયાના અંતે ભાજપના ઉમેદવાર દીપિકા પટેલને 43 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નઝમાબેન પઠાણને માત્ર 8 મત જ મળી શક્યા હતા. આ જંગી મતોની સરસાઈ સાથે ભાજપે મેયર પદ પર પોતાનો કબજો જમાવી દીધો હતો. રાકેશ રાઠોડ બન્યા સુરેન્દ્રનગરના પહેલા મેયર
સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયર એસ.સી. અનામત છે, ત્યારે મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન તરીકે નીખિલ ચાંપાનેરી, દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા અને પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!