પાલિકાની કામગીરી દરમિયાન થયેલા મતભેદ બાદ નગરપાલિકાના કેટલાક પ્રતિનિધિઓ અને કોર્પોરેટરના સગાઓ વચ્ચે બોલાચાલી સર્જાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી કામગીરીમાંગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર રહેલા કેટલાક લોકોએ કામગીરીમાં વપરાતી સામગ્રી અને પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે તણાવનું વાતાવરણ ઉભું થયું હતું.
આ મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવતો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હારીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા વાયરલ કરાયેલા આ વિડિઓમાં વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.
વિડિઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કામગીરી કરતી એજન્સી દ્વારા નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ કામગીરી દરમિયાન નીતિ-નિયમોનું પાલન ન થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં આ મામલે ભારે ચર્ચા ચાલી રહી છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. વિડિઓ વાયરલ કરનાર દ્વારા ભ્રષ્ટાચારના મામલે વિજિલન્સ તપાસ કરાવવાની માંગ સાથે હાઇકોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે લોકો હવે તંત્ર તરફથી કડક કાર્યવાહી અને પારદર્શક તપાસની રાહ જોઈ રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
