પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને આર્થિક સશક્તિકરણ અને જનસેવાનો લાભ પહોંચાડવા માટે વિશેષ લોન મેળા અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ, બેંક પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોના સહયોગથી લાયકાત ધરાવતા અરજદારોને આશરે રૂ. 5 કરોડથી વધુની લોનના મંજૂરીપત્રો અને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાથી નાના વેપારીઓ, યુવાનો, મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્વરોજગારી મેળવવા ઇચ્છુક લોકોને મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણ પોલીસે ગુનાઓના ભેદ ઉકેલી તેમજ ગુમ થયેલી મિલકતો શોધી કાઢીને અંદાજે રૂ. 40 લાખની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપ્યો હતો. જેમાં 38 મોબાઇલ ફોન, 4 મોટરસાયકલ, એક કાર, રોકડ રકમ તથા સોનાના દાગીનાઓનો સમાવેશ થાય છે. પોતાનો કિંમતી સામાન પરત મળતા લાભાર્થીઓએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાયબર ગુનાઓના ભોગ બનેલા નાગરિકોને પણ રાહતરૂપ પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસની ઝડપી કામગીરી અને બેંકિંગ તંત્રના સંકલનથી રૂ. 14.82 લાખની રકમ સફળતાપૂર્વક ફરિયાદીઓના ખાતામાં પરત જમા કરાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી હતી કે લોનની જરૂરિયાત સમયે વ્યાજખોરોનો સહારો લેવાને બદલે નજીકની બેંકનો સંપર્ક કરવો જોઈએ. તેમજ જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની રહી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
પાટણ પોલીસની આ પહેલને નાગરિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હોવાનું માનવામાં આવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
