ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ અદભુત સ્થાપત્ય અને સમૃદ્ધ ઇતિહાસના પાને અમર બનેલું શહેર છે. અહીં મૌર્યકાલીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે, જેમાં ઉપરકોટ, ખાપરા-કોડિયા અને બાવા પ્યારાની ગુફાઓ મુખ્ય છે. ખડકો કોતરીને બનાવેલી આ ગુફાઓ પ્રાચીન યુગમાં બૌદ્ધ ધર્મના વ્યાપક પ્રચાર અને ભિક્ષુકોના અધ્યાત્મનું કેન્દ્ર હતી. બીજી તરફ, જૂનાગઢનો નવાબી કાળ શહેરને એક અનોખો મધ્યકાલીન વૈભવ આપી ગયો. મોહબ્બત મકબરો, બહાઉદ્દીન મકબરો અને દરબાર હોલ મ્યુઝિયમ જેવી ઇમારતો ગોથિક અને ઇસ્લામિક સ્થાપત્ય કળાનો બેનમૂન નમૂનો છે. પરંતુ તંત્રમાં સરકારને રજૂઆત કરવાની અભાવ અને પુરાતત્ત્વ વિભાગની ઉદાસીનતાને કારણે ઇતિહાસને જાણવા પ્રવાસીઓ યોગ્ય સ્થળ પર પહોંચી શકતા નથી. 27 સપ્ટેમ્બર, 2019ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં PM મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 74મી મહાસભાને સંબોધિત કરતી વખતે વૈશ્વિક શાંતિનો સંદેશ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમે એવા દેશના છીએ જેણે દુનિયાને ‘યુદ્ધ’ નહીં, પરંતુ ‘બુદ્ધ’ આપ્યા છે અને એટલે જ વિશ્વ સમક્ષ અમારો અવાજ આતંકવાદ સામેનો આક્રોશ અને ગંભીરતાથી ભરેલો છે.” પરંતુ હાલ જૂનાગઢની આ બૌદ્ધ ગુફાઓ પુરાતત્ત્વ વિભાગની યોગ્ય સાચવણી અને સ્થાનિક તંત્રની સરકારમાં રજૂઆતના અભાવે પર્યટકોને આકર્ષવામાં ઉણી ઉતરી છે. છેલ્લા ઘણાં સમયથી પીએમ મોદીનું એક સૂત્ર છે કે, વિકાસ ભી, વિરાસત ભી. પરંતુ પુરાતત્ત્વ વિભાગ અને તંત્ર આ સૂત્રને સાર્થક કરવામાં પણ રસ દાખવતા ન હોય એવું લાગી રહ્યું છે. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ જુનાગઢ શહેરમાં આવેલી બૌદ્ધ ગુફાઓની મુલાકાતે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવા પહોંચી ત્યારે પ્રવાસીઓ આ બૌદ્ધ ગુફાઓ સુધી પહોંચવા માટેના કોઈપણ પ્રકારના સાઈનબોર્ડ જોવા મળ્યા નહોતા. જે સાઇન બોર્ડ લાગેલા હતા તે પણ તૂટેલા અને કાળા કલરના થઈ ગયાનું જોવા મળ્યું હતું. ગુફાઓમાં કેમેરાથી શૂટિંગ કરવાનો ચાર્જ 50 હજાર અને 10 હજારનો ડીડી ફરજિયાત
બૌદ્ધ ગુફાઓમાં ઊગી નીકળેલી ઝાડની ડાળીઓ, ગુફાઓની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે બેસવા કે પીવાના પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હતી, અને આ ગુફાઓમાં જો કેમેરાથી શૂટિંગ કરવાનું હોય તો તેના 50,000 રૂપિયા સરકારને ચૂકવવવા અને ₹10,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ(રિફંડેબલ) પણ કાઢવો ફરજિયાત હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ તમામ બાબતો સામે સામાન્ય પ્રવાસીઓ માટે કોઈપણ પ્રકારની સુવિધા ન હતી. જો કે ઉપરકોટમાં પ્રાઇવેટ કંપનીને પર્યટકોને સાચવવાની જવાબદારી સોંપી હતી, જેથી ઉપરકોટની ગુફા મધ્યમ અંશે જોવા જઈ શકાય એવી પરિસ્થિતિમાં હતી. પરંતુ ખાપરા કોડિયાની અને બાવા પ્યારા(બાબા પ્યારા નામથી પણ ઓળખાય છે)ની બૌદ્ધ ગુફાઓમાં કોઈ પણ પ્રકારની પૂરતી માહિતી પણ હાજર ન હતી. જૂનાગઢમાં મુખ્યત્વે ત્રણ બૌદ્ધ ગુફા સમૂહ આવેલા છે. ઉપરકોટમાં આ ગુફા સમૂહ બે માળનો છે અને તે આશરે બીજી કે ત્રીજી સદીનો હોવાનું માનવામાં આવે છે. ગુફાની અંદર સુંદર કોતરણીવાળા સ્તંભો, વિશાળ હોલ અને બૌદ્ધ ભિક્ષુકોના રહેવા તેમજ ધ્યાન કરવા માટેના ઓરડા એટલે કે વિહાર બનેલા છે. નીચલા માળ પર એક નાનો કુંડ પણ છે જે તે સમયની જળ વ્યવસ્થા દર્શાવે છે. ‘બાબા પ્યારાની ગુફાઓ સૌથી પ્રાચીન’
ધારાગઢ વિસ્તારમાં ખાપરા કોડિયાની ગુફાઓ આવેલી છે. આ સૌથી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ હોવાનું માનવામાં આવે છે, જેનો સમયગાળો ઈ.સ. પૂર્વે ત્રીજીથી બીજી સદી એટલે કે સમ્રાટ અશોકના સમયની આસપાસ હોવાનો અંદાજ છે. આ ગુફાઓ એકદમ સાદી છે અને તેને પથ્થરની ખાણમાંથી કોતરીને બનાવવામાં આવી હોય તેવું લાગે છે. ‘ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ સાધુઓના રહેણાંક તરીકે ઉપયોગમાં લેવાતી’
આ ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ સાધુઓના રહેણાંક તરીકે ઉપયોગમાં લેવાતી હતી. આ ઉપરાંત ઉપરકોટની નજીક આવેલા ફુલિયા હનુમાન મંદિર નજીક દક્ષિણ-પૂર્વ દિશામાં બાવા પ્યારાની ગુફાઓ આવેલી છે, આ સમૂહમાં આશરે 13 જેટલી ગુફાઓ છે, જે ત્રણ હરોળમાં વહેંચાયેલી છે અને આ ગુફામાં ચૈત્ય અને વિહારો આવેલા છે. આ તમામ ગુફાઓ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં જૂનાગઢમાં ગિરિનગર તરીકે ઓળખાતું બૌદ્ધ ધર્મનું એક બહુ મોટું અને સક્રિય કેન્દ્ર હતું. અહીં સમ્રાટ અશોકનો શિલાલેખ પણ આવેલો છે, જે આ વાતની પુષ્ટિ કરે છે અને ઇતિહાસ અને સ્થાપત્ય કળામાં રસ ધરાવતા લોકો માટે આ ગુફાઓ આજે પણ સંશોધનનો વિષય છે. ‘કોતરણીમાં વિહાર, સ્તૂપ, સ્તંભ અને ચૈત્યોનો ઉલ્લેખ હોય છે’
સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ વિશે 2019માં પુસ્તક લખનાર લેખક અને રિટાયર્ડ બેંક અધિકારી નિલેશ કાથડે જણાવ્યું હતું કે, આ ગુફાઓની કોતરણી વિશિષ્ટ પ્રકારની હોય છે જે કોતરણીમાં વિહાર, સ્તૂપ, સ્તંભ અને ચૈત્યોનો ઉલ્લેખ જોવા મળે છે. વિહારમાં બૌદ્ધ ભિક્ષુકો રહે છે, ચૈત્યો એ પ્રાર્થના ખંડ હોય છે, અને શિલાલેખો બૌદ્ધ ધર્મની સંપૂર્ણપણે માહિતી સાથે કોતરવામાં આવે છે અને તેમાં જુદી જુદી આકૃતિઓની કોતરણી કરવામાં આવે છે, જે અલગ અલગ રીતે બૌદ્ધ સ્થાપત્યોની ઓળખ દર્શાવે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું અને સમ્રાટ અશોકના વખતથી ઇન્ડિયન સમિતિ શાખાનું જૂનાગઢ પ્રમુખ કેન્દ્ર રહ્યું હતું. તેમજ ગઢેચી અને પંચેશ્વરની પણ અહીં બૌદ્ધ ગુફાઓ આવેલી છે. હું એમ માનું છું કે ભારતની ઓળખ વિશ્વમાં બુદ્ધના લીધે છે. જ્યારે પીએમ મોદી વિશ્વ પ્રવાસે જાય છે ત્યારે તે પણ કહે છે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું. એક સમયે આખું ભારત બૌદ્ધમય હતું, એવું પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મના અભ્યાસ અને પવિત્ર સ્થળોની મુલાકાત લેવા આવેલા મુખ્ય ચીની પ્રવાસીઓમાં ફાહિયાન, હ્યુ-એન-ત્સાંગ અને ઇ-ત્સિંગે તેના પ્રવાસ પુસ્તકોમાં નોંધ લીધી છે. જે સમયે વલભી ગુજરાતમાં બૌદ્ધ ધર્મ માટે પ્રમુખ કેન્દ્ર પર હતું અને 845 સુધી બૌદ્ધ ધર્મ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતો હતો. ગુણમતિ અને સ્થિરમતિ નામના બે મહાન બૌદ્ધ વિદ્વાનો અને ભિક્ષુઓએ આ સાહિત્ય લખ્યું હતું. પૂરાવાઓને આધારે લગભગ 11મી સદી સુધી બૌદ્ધ ધર્મનું અસ્તિત્વ જોવા મળે છે. ‘સરકાર આ ગુફાઓને લઈ ઉદાસીનતા દાખવી રહી છે’
‘જૂનાગઢની બૌદ્ધ ગુફાઓ વિશે જો વાત કરવામાં આવે તો સરકાર આ ગુફાઓને લઈ ઉદાસીનતા દાખવી રહી હોય તેવું મારું માનવું છે, કારણ કે જૂનાગઢમાં બૌદ્ધ ગુફાઓ ખૂબ પ્રખ્યાત છે, તેમજ તળાજા, ખંભાલીડા, ઢાંક સહિતની બૌદ્ધ ગુફાઓ ખૂબ જ વિશ્વ પ્રખ્યાત બની છે. ભારત બુદ્ધથી ઓળખાઈ રહ્યું છે અને બૌદ્ધ ધર્મનું આગમન જ ભારતથી થયેલું છે, પરંતુ હાલ ભારતમાંથી બૌદ્ધ ધર્મ વિદાય થયેલો જોવા મળી રહ્યો છે. બૌદ્ધ ગુફાઓ આજે જંગલોમાં, પહાડોમાં અને નદીના કાંઠા પર આજે બૌદ્ધ વિરાસતો તરીકે સચવાયેલી જોવા મળે છે.’ નિલેશ કાથડે તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકોની પણ થોડી ખામીઓ છે, કેમ કે લોકો ઇતિહાસ વાંચતા નથી અને જે આપણી વિરાસતો છે તેની સાચવણી કરી શકતા નથી. ગિરનાર બૌદ્ધ ધર્મની ઓળખ હતી અને અહીં પ્રદક્ષિણાઓ થતી હતી. જેને હાલના સમયમાં પરિક્રમાના નામે ઓળખવામાં આવે છે. ‘ચાર સ્તૂપ હતા. જેમાં બોરીયા સ્તૂપ હાલમાં હયાત’
‘અહીં વિશાળ ચાર સ્તૂપ હતા. જેમાં બોરીયા સ્તૂપ હાલમાં હયાત છે અને તેની પ્રદક્ષિણા કરવામાં આવતી હતી. ત્યારે બૌદ્ધ ધર્મની વિરાસતો જળવાઈ રહે તે માટે સરકાર અને લોકોનું પૂરતું ધ્યાન જાય તેવા આયોજનો અને કાર્યક્રમો થવા જોઈએ, કારણ કે હાલ આ બૌદ્ધ ગુફાઓ વિલુપ્ત થવાના આરે આવીને ઊભી છે. મેં જે સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ ગુફાઓનું પુસ્તક લખ્યું છે તેમાં પાંચ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખ્યા છે. જેમાં બૌદ્ધ ગુફાઓ ઐતિહાસિક વારસો છે, હાલમાં બૌદ્ધ ગુફાઓની હાલત કેવી છે, પ્રકૃતિના માર અને લોકોના બેધ્યાનથી હાલ બૌદ્ધ ગુફાઓ વિસરાઈ રહી છે, તેમજ હાલની સરકાર બૌદ્ધ ગુફા પ્રત્યે ઉદાસીન છે કે તેની જાળવણી કરી રહી છે.’ ‘ખાપરા કોડિયાની ગુફાઓને ભોયરા તરીકે ગણી નાખવામાં આવી’
ઇતિહાસકારના એડવોકેટ પુત્ર હરીશ દેસાઈએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જૂનાગઢના જ ઘણા લોકો દ્વારા પ્રાચીન ઇમારતોની જાળવણી માટે વિરાસત ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે સરકાર કે તંત્ર તરફથી કોઈ સહકાર ન મળતા આ ટ્રસ્ટ કંઈ કરી શક્યું નહીં. જૂનાગઢમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં ખાપરા કોડિયાની ગુફાઓને ભોયરા તરીકે ગણી નાખવામાં આવી, તો ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓને અનાજના કોઠારો અને નવાબના વખતમાં તેમાં દારૂગોળો ભરવામાં આવતો હતો તેવી વાતો કરી નાખવામાં આવી, પરંતુ હકીકતમાં આ તમામ ગુફાઓ બૌદ્ધ ધર્મની ઓળખ છે અને પુરાતત્વ વિભાગનો વારસો છે. ‘ભારતમાં વિરાસતો કે ઇતિહાસની સાચવણી કરવામાં આવતી નથી’
હું યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ફરેલો છું. જ્યાં પૌરાણિક જગ્યાઓની ખૂબ જ સાચવણી કરે છે. અમેરિકામાં જે જગ્યાએ ઇતિહાસમાં યુદ્ધ થયું હતું તે જગ્યામાં તો અલગ અલગ આકૃતિઓ મુકવામાં આવી છે. તેની ટિકિટો રાખી પર્યટકોને આ જગ્યાઓ બતાવવામાં આવે છે. પરંતુ તે સમયે મને થયું કે આવા યુદ્ધ તો ભારતમાં ઘણી જગ્યાએ થયા છે અને ઘણા લોકોએ બલિદાન દીધા છે. પરંતુ ભારતમાં પૌરાણિક વિરાસતો કે ઇતિહાસનું કોઈ ધ્યાન રાખી સાચવણી કરવામાં આવતી નથી. હરીશ દેસાઈએ વિદેશ સાથે જૂનાગઢની તુલના કરતા આગળ કહ્યું હતું કે, ઉપરકોટ, પરી તળાવ અને દિવાન ચોકનો વિસ્તાર જો વિદેશમાં હોત તો તેની ખૂબ જ જાળવણી થતી હોત. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ રાજસ્થાન જેવા રાજ્યમાં પણ પૌરાણિક અને જૂના કિલ્લાઓ અને વિરાસતોની ખૂબ સાચવણી કરવામાં આવે છે. પરંતુ જૂનાગઢમાં આવેલી વિરાસતોના એક અંશની પણ જાળવણી થતી નથી. ‘ખેંગારવાવની ખૂબ જ દુર્દશા છે અને વિનાશના આરે છે’
જ્યારે ખેંગારવાવની ખૂબ જ દુર્દશા છે અને વિનાશના આરે છે. વિદેશમાં ઇમારતો કરતાં ઘણી ઉચ્ચ કક્ષાની ઇમારતોમાં જૂનાગઢનો દિવાન ચોક આવે છે. પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી. તંત્ર અને સરકારની વિરાસતો અને પૌરાણિક બિલ્ડિંગોની જાળવણી માટે કાં તો દ્રષ્ટિ નથી અને કાં તો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પ્લાનિંગ નથી. નવાબના સમયના બંગલાઓ અને આકૃતિઓ પણ હવે ધીરે ધીરે નષ્ટ થતી જાય છે, ત્યારે બીજા દેશોમાંથી શીખવું જોઈએ કે જૂનાગઢની વિરાસતોને કેવી રીતે બચાવી શકાય. જૂનાગઢમાં પ્રવાસીઓ તો આવે છે અને ખાસ કરીને જે વિદેશી પ્રવાસીઓ આવે છે તે ગિરનાર અને સિંહો જોવા માટે આવે છે. જુનાગઢ આવતા પ્રવાસીઓમાં ધાર્મિક તત્વો જોવા મળે છે, પરંતુ પ્રવાસન વિભાગ દ્વારા જે પ્રકારે ડેવલોપમેન્ટ કરવું જોઈએ તે કરી શક્યા નથી અને જુનાગઢ વિરાસતોને લઈ પૂરતી માહિતી પર્યટકો સુધી આપી શક્યા નથી. ‘પ્રવાસીઓ સુધી માહિતી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા જ નથી’
તેમણે વહીવટી તંત્રની ખામીઓ ઉજાગર કરતા જણાવ્યું હતું કે, ખાસ કરીને બૌદ્ધ ગુફાઓની જો વાત કરવામાં આવે તો ઉપરકોટની ગુફા, બાવા પ્યારાની ગુફા કે ખાપરા કોડિયાની ગુફા સુધી પર્યટકોને પૂરતી માહિતી આપી પર્યટકોને આ ગુફાઓ સુધી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા નથી. જે લોકોની વિરાસતોને સાચવવાની જવાબદારી છે તેવા લોકો પાસે આવી વિરાસતો સાચવવાની દ્રષ્ટિ જ નથી. ‘તંત્ર પાસે કોઈ આયોજન કે કોઈ વ્યવસ્થા નથી’
જૂનાગઢમાં હાલ કોઈ સારા રસ્તા જ નથી કે લોકો તેના પરથી સારી રીતે નીકળી શકે કારણ કે આ રસ્તાઓ ખોદાયેલી હાલતમાં છે. જ્યારે પ્રવાસીઓ આવે ત્યારે શહેરમાં ચાલીને નીકળી શકાય તેવો એક પણ ગૌરવ પથ કે અન્ય રસ્તા કે હેરિટેજ રસ્તો જ નથી, ત્યારે તંત્ર પાસે કોઈ આયોજન કે કોઈ વ્યવસ્થા નથી. હાલ નવાબી કાળની બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ અને આસપાસનો વિસ્તાર ખૂબ જ ખરાબ હાલતમાં છે, શહેરમાં આવેલી વિવેકાનંદ સ્કૂલની પણ હાલત દયનીય છે. આવતા 5 વર્ષમાં જૂનાગઢ સિમેન્ટ કોંક્રીટના મકાનો ધરાવતું શહેર બની જશે અને ભવિષ્ય પુરાતત્વ વિભાગ કે પર્યટક વિભાગની ઉદાસીનતાથી ધૂંધળું દેખાઈ રહ્યું છે. ત્રણ મહિના બાદ કામગીરી શરૂ પણ કરી દેવાશે: પુરાતત્ત્વ વિભાગના કન્ઝર્વેશન આસિસ્ટન્ટ
આ સમગ્ર મામલે જ્યારે પુરાતત્ત્વ વિભાગના કન્ઝર્વેશન આસિસ્ટન્ટ રજનીશ કુમારે જણાવ્યું હતું કે, હાલ બૌદ્ધ ગુફાઓની જે પરિસ્થિતિ છે તેના કરતાં પણ અતિ દયનીય પરિસ્થિતિ પહેલા હતી. પરંતુ હાલ થોડી સારી થઈ છે. અહીં ઘણા વર્ષોથી કોઈ જવાબદાર વ્યક્તિ ન હતું. પરંતુ ત્રણ મહિના પહેલા અહીં મારું નવું પોસ્ટિંગ થયું છે. અહીં કર્મચારીઓને તો જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ કાયમી પોસ્ટિંગ ન હતું. હાલ પુરાતત્વ વિભાગ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને ત્રણ મહિના બાદ કામગીરી શરૂ પણ કરી દેવામાં આવશે. ‘બૌદ્ધ ગુફાઓની મુલાકાતે ઓછા પ્રવાસીઓ આવે છે તે વાત સાચી છે અને આ મામલે પ્રવાસીઓને પૂછવામાં આવે તો યોગ્ય બાબત જાણવા મળે. જ્યારે હેરિટેજ દિવસ હોય છે ત્યારે ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવે છે, તે સમયે કદાચ બધાને ખ્યાલ આવતો હોય કે અહીં અલગ અલગ વિરાસતો આવેલી છે. હાલના સમયમાં મોર્ડન ટેકનોલોજી ફરવા માટે વધુ પસંદ કરવામાં આવે છે. આ સાથે જે પ્રમાણે બૌદ્ધ ગુફાઓના બોર્ડની હાલત અતિ ખરાબ છે. જેને લઇ અમારા વિભાગમાં અમે રજૂઆત કરી દીધી છે. પુરાતત્ત્વ વિભાગ હેઠળ આવતી ગુફાઓમાં કેમેરાથી શૂટિંગ કરવા માટે 50,000 રૂપિયા સરકારમાં જમા કરાવવાના હોય છે અને ત્યારબાદ 10,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ કાઢવાનો હોય છે.’