પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામના રાહતપરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, નળમાં ગંદકી અને જીવજંતુઓયુક્ત પાણી આવી રહ્યું હોવાથી પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, દૂષિત પાણીના ઉપયોગને કારણે બે-ત્રણ લોકોની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબે પણ સ્થળની મુલાકાત લીધી હોવાનું જાણવા મળે છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યા અંગે સરપંચ તેમજ તલાટી કમ મંત્રીને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. જેના પગલે મુકેશભાઈ રાવળ, સદાજી સોમજી ઠાકોર સહિતના ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પગલાં ભરવા અને રાહતપરામાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
ગ્રામજનોએ રોગચાળો ફેલાય તે પહેલાં પાણીના સ્ત્રોતની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
