માલિકી હક્ક અને પાવર ઓફ એટર્નીના દસ્તાવેજો અંગે સવાલો, જમીનના ઉપયોગ અને વેચાણ પ્રક્રિયા સામે ઉઠ્યા પ્રશ્નો

રાધનપુર શહેરમાં કિંમતી જમીનના વ્યવહારોને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. સીટી સર્વે નંબર 6131ને લગતા જમીનના દસ્તાવેજો અને તેના આધારે થયેલા વ્યવહારો અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કેટલાક અરજદારો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જમીનના માલિકી હક્ક તથા પાવર ઓફ એટર્ની સંબંધિત દસ્તાવેજોના આધારે જમીનના સોદા કરવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, સીટી સર્વે નંબર 6131માં રેવન્યુ સર્વે નંબર 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16 અને 17નો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. આ જમીન ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ, 1960 હેઠળ ફાજલ જાહેર થયા બાદ રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડને ખેતીના હેતુ માટે ફાળવવામાં આવી હોવાનો દાવો છે.

આ દરમિયાન, સીટી સર્વે કચેરીના રેકોર્ડમાં આ જમીનને બિનખેતીલક્ષી દર્શાવવામાં આવી હોવાના આક્ષેપથી મામલો વધુ ગંભીર બન્યો છે. જમીનની મૂળ સ્થિતિ, માલિકી હક્ક, ઉપયોગમાં થયેલો ફેરફાર તેમજ ત્યારબાદ થયેલા વેચાણ વ્યવહારો અંગે અનેક સવાલો ઊભા થયા છે.

સમગ્ર મામલે જમીનના મૂળ દસ્તાવેજો, સરકારી રેકોર્ડ, હક્કપત્રક અને પાવર ઓફ એટર્નીની કાયદેસરતા સહિતના મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ કે કાયદાકીય ઉલ્લંઘન સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

હવે તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને તપાસ બાદ જમીનના વ્યવહારો અંગે શું હકીકત બહાર આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!