15 દિવસ પહેલાં થયેલી ચોરીનો પર્દાફાશ : ચાર ટાયર અને ચોરીમાં વપરાયેલ પીકઅપ ડાલું કબજે

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં નેશનલ હાઈવે પર ચાલતી ટ્રકમાંથી ટાયરની ચોરી થયાની ઘટનામાં વારાહી પોલીસને સફળતા મળી છે. ગુનાની તપાસ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી ચોરીમાં ગયેલા ચાર ટાયર તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ પીકઅપ ડાલું કબજે કર્યું છે.

મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પરિક્ષીતા રાઠોડ, પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે અને રાધનપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલસિંહ એલ. પરમારના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસ દ્વારા ચોરીના ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ત્રણ શખ્સો પીકઅપ ડાલામાં ટાયર ભરીને વારાહી ઈદગાહ રોડ પરથી રાધનપુર તરફ વેચાણ માટે જવાના છે. બાતમીના આધારે પોલીસે ઈદગાહ રોડ પર નાકાબંધી કરી વાહનોની તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન શંકાસ્પદ પીકઅપ ડાલું આવતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પીકઅપ ડાલામાંથી ચાર ટાયર મળી આવ્યાં હતાં. પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડી ટાયર તથા પીકઅપ ડાલું કબજે કર્યું હતું. આ કાર્યવાહીથી નેશનલ હાઈવે પર 15 દિવસ પહેલાં ચાલતી ટ્રકમાંથી થયેલી ટાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઝડપાયેલા ત્રણ આરોપીઓ

પોલીસે ફિરોજભાઈ અબ્દુલભાઈ કરીમખાન થેબા (ઉંમર 26 વર્ષ), રહે. સીધાડા સોઢીવાસ, તાલુકો સાંતલપુર; સંજયભાઈ ગાંડાભાઈ કરમશીભાઈ દેવીપૂજક (ઉંમર 21 વર્ષ), મૂળ રહે. વારાહી ભોજાણીવાસ, તાલુકો સાંતલપુર; તેમજ રાજભાઈ અજમલભાઈ વિરાભાઈ ઠાકોર (ઉંમર 24 વર્ષ), રહે. મોટો ઠાકોરવાસ, રાધનપુરને ઝડપી પાડ્યા છે.

ચોરીનો મુદ્દામાલ કબજે

આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા ચાર ટાયર અને પીકઅપ ડાલું નંબર GJ-02-Y-5428 કબજે કરવામાં આવ્યું છે. આ મામલે વારાહી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(સી) હેઠળ નોંધાયેલા ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વારાહી પોલીસની ટીમની કામગીરી

આ સફળ કામગીરીમાં વારાહી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. સોલંકી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વાય.એન. પટેલ તથા પોલીસ કર્મચારીઓ વસ્તાભાઈ પાતાભાઈ, ચેતનકુમાર બાબુલાલ, અશ્વિનભાઈ ચેલાભાઈ, લક્ષ્મણભાઈ પેથાભાઈ, કપિલભાઈ મુળજીભાઈ, મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ અને વિનોદભાઈ મહેશભાઈ જોડાયા હતા.

વારાહી પોલીસની સતર્કતાને કારણે 15 દિવસ જૂની ટાયર ચોરીની ઘટનામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરતાં સમગ્ર વિસ્તારમાં પોલીસની કામગીરીની નોંધ લેવાઈ રહી છે.

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!