કાળી સ્કોર્પિયોમાં બેસાડી છાડવાડાની સીમમાં લઈ ગયા, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

કચ્છ જિલ્લાના ભચાઉમાં યુવકનું કાળા રંગની સ્કોર્પિયો કારમાં અપહરણ કરી સીમ વિસ્તારમાં લઈ જઈ લાકડાના ધોકાથી માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માનસરોવર ચોકડી નજીક મોબાઈલ શોપ ધરાવતા ૨૫ વર્ષીય વેપારીએ ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે બે મુખ્ય આરોપી સહિત ચાર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત ફરિયાદની વિગતો મુજબ, ભચાઉના જુનાવાડા વિસ્તારમાં રહેતા મામદ હુશૈન અબ્દુલશા શેખ પોતાની એમ.કે. મોબાઈલ શોપ બંધ કરીને તા. ૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે આશરે નવ વાગ્યે દુકાનની બહાર ઊભા હતા. તે દરમિયાન કાળા રંગની સ્કોર્પિયો કાર ત્યાં આવી હતી. કારમાંથી ઉતરેલા ઈસમોએ તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધા હતા.

ફરિયાદમાં સામખિયાળીના રજાક ગુલામ રસુલ રાયમા, મોરગરના જાવેદ રાયમા અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકને કારમાં બેસાડતી વખતે જાવેદે છરી બતાવી બૂમો ન પાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અંગત અદાવતની આશંકા હેઠળ હુમલો કર્યાનો આક્ષેપ

ફરિયાદી દ્વારા જણાવ્યા મુજબ, રજાક રાયમાની બહેન સીમાને ફરિયાદીના મામાના દીકરા નિજામુદ્દીન ભગાડી ગયો હોવાની બાબતને લઈને ફરિયાદીનો તેમાં હાથ હોવાની આશંકા રાખવામાં આવી હતી. આ કારણસર યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

આરોપીઓ યુવકને સામખિયાળી હાઈવે પરથી છાડવાડા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારની ઓરડીઓ પાસે લઈ ગયા હતા. ત્યાં રજાક રાયમા તથા અન્ય બે અજાણ્યા ઈસમોએ લાકડાના ધોકાથી યુવકના સાથળ અને પીઠના ભાગે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મધરાત બાદ છોડી મૂક્યાનો ઉલ્લેખ

ફરિયાદ મુજબ, તા. ૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે યુવકને છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. ૧૦ ઓક્ટોબરના રોજ યુવકે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ બનાવ અંગે ભચાઉ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૪૦(૩), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ કે.બી. તરારને સોંપી છે.

યુવકના અપહરણ અને મારામારીના આક્ષેપોથી ભચાઉ પંથકમાં ચકચાર મચી છે. પોલીસ તપાસ દરમિયાન ઘટનાની હકીકત અને તેમાં સંડોવાયેલા ઈસમોની ભૂમિકા અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!