મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પક્ષ અને CJP દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો તેજ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં યોજાઈ રહેલા આ આંદોલનમાં જોડાવા માટે દેશભરમાંથી લોકો ઉમટી રહ્યા છે, જેમાં ખાસ કરીને જેન-ઝી યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરથી આંદોલનમાં સામેલ થવા દિલ્હી જવાની તૈયારી કરી રહેલા 100 જેટલા યુવક-યુવતીઓને સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે અમદાવાદ પોલીસે ડિટેઇન કરીને નજરકેદ રાખ્યા હોવાની વિગતો સામે આવી છે. દિલ્હી જતી ટ્રેન અને બસો પર પોલીસની બાજ નજર
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું હોવાથી ગુજરાતમાંથી કોઈ કાર્યકરો કે યુવાનો ત્યાં ન પહોંચે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરાયું હતું. દિલ્હી તરફ જતી ટ્રેનો અને ખાનગી તેમજ સરકારી બસોમાં આંદોલનકારીઓ મુસાફરી ન કરે તે માટે રેલવે સ્ટેશનો અને મુખ્ય બસ સ્ટેન્ડો પર ચુસ્ત ચેકિંગ ગોઠવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં મોડી રાત સુધી ઉચ્ચ અધિકારીઓની બેઠક
આ સમગ્ર સ્થિતિ અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે શુક્રવારે મોડી રાત સુધી ગાંધીનગર ખાતે ગૃહ વિભાગ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. શનિવારે એલિસબ્રિજ ખાતે ફરી યુવાનો એકઠા થવાની શક્યતા
પોલીસ દ્વારા 100થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવતાં, દિલ્હી ન જઈ શકનારા અન્ય યુવાનો શનિવારે અમદાવાદના એલિસબ્રિજ પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરે એવી શક્યતા છે. અગાઉ પણ ગણતરીના બે કલાકમાં 1,000થી વધુ યુવાનો અચાનક એકત્ર થઈને આંદોલન કરી ચૂક્યા છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંવેદનશીલ સ્થળોએ શનિવારે વહેલી સવારથી જ વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!