MBBS ડોક્ટરોની ઉપલબ્ધતા અંગે સવાલો, છતાં કેટલીક જગ્યાએ ECG જેવાં સાધનો જોવા મળતા હોવાની ચર્ચા; બોગસ તબીબો સામે તપાસ અને કડક કાર્યવાહીની લોકમાગ.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અને વારાહી વિસ્તારમાં આરોગ્ય સેવાઓને લઈને ચોંકાવનારા સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે વિસ્તારમાં પૂરતી MBBS લાયકાત ધરાવતા તબીબોની ઉપલબ્ધતા નથી, તેમ છતાં કેટલીક જગ્યાએ ECG સહિતનાં આધુનિક તબીબી સાધનો જોવા મળી રહ્યાં છે. ત્યારે સવાલ એ થાય છે કે આ સાધનોનો ઉપયોગ કોણ કરે છે અને દર્દીઓને સારવાર કોણ આપી રહ્યું છે?
સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, કેટલીક જગ્યાએ આયુર્વેદિક લાયકાત ધરાવતા તબીબો દ્વારા એલોપેથીક દવાઓ આપવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ગ્રામ્ય વિસ્તારની નિર્દોષ અને ગરીબ જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની શક્યતા છે.
હેલ્થ ઓફિસરની હાજરી છતાં તંત્ર અજાણ કેમ?
જે વિસ્તારમાં આરોગ્ય વિભાગની કચેરી આવેલી છે ત્યાં જ આવી બાબતો અંગે સવાલો ઊભા થતા હોય તો આરોગ્ય તંત્રની દેખરેખ અને કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાય છે. શું આરોગ્ય વિભાગને આ બાબતની જાણ નથી કે પછી તપાસ કરવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે?
રાજ્યના અન્ય વિસ્તારોમાં બોગસ તબીબો સામે કાર્યવાહી થતી હોય ત્યારે સાંતલપુર અને વારાહી વિસ્તારમાં પણ તપાસ કેમ કરવામાં આવતી નથી? કઈ લાયકાત ધરાવતા લોકો દર્દીઓની સારવાર કરી રહ્યા છે, હોસ્પિટલ પાસે જરૂરી મંજૂરી છે કે નહીં અને તબીબી સાધનોનો ઉપયોગ નિયમ મુજબ થાય છે કે નહીં તેની તપાસ થવી જરૂરી છે.
પાટણ SOG અને આરોગ્ય વિભાગ તપાસ કરશે ખરા
સ્થાનિક લોકો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને પાટણ SOG સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે સાંતલપુર તાલુકા અને વારાહી વિસ્તારની તમામ શંકાસ્પદ હોસ્પિટલ તથા ક્લિનિકોની તપાસ કરવામાં આવે. ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો સામે પુરાવાના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરશે કે પછી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના આરોગ્યને લગતા આ સવાલો ફક્ત ચર્ચા પૂરતા જ રહી જશે?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
