હોમિયોપેથીક ડિગ્રી ધરાવતા કેટલાક લોકો દ્વારા એલોપેથિક સારવાર અપાતી હોવાના આક્ષેપો; ઇન્જેક્શન, બોટલ અને ECG જેવી સુવિધાઓ અંગે તપાસની માંગ

પાટણ જિલ્લાના વારાહી અને સાંતલપુર તાલુકામાં કથિત બોગસ તબીબોની પ્રવૃત્તિઓને લઈને આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોમિયોપેથીક ડિગ્રી ધરાવતા કેટલાક લોકો દ્વારા એલોપેથિક પદ્ધતિથી સારવાર કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ આક્ષેપોમાં તથ્ય હોય તો દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સ્થાનિક સ્તરે થતી ચર્ચા મુજબ કેટલાક સારવાર કેન્દ્રો પર દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવે છે, બોટલ ચઢાવવામાં આવે છે તેમજ ECG જેવી તપાસની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત દવાઓની ગુણવત્તા અને સારવારના નામે દર્દીઓ પાસેથી ઊંચી ફી વસૂલવામાં આવતી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

અન્ય જિલ્લાઓમાં દરોડા, તો પાટણમાં તપાસ ક્યારે?

રાજ્યના અન્ય જિલ્લાઓમાં SOG અને સંબંધિત વિભાગો દ્વારા કથિત બોગસ તબીબો સામે તપાસ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના વારાહી અને સાંતલપુર તાલુકામાં પણ આવી પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આરોગ્ય વિભાગ અને પાટણ SOG સામે લોકહિતનો સવાલ

શું આરોગ્ય વિભાગને આ પ્રકારની પ્રવૃત્તિઓની જાણ છે? જો જાણ છે તો અત્યાર સુધી તપાસ કેમ કરવામાં આવી નથી? સંબંધિત વ્યક્તિઓની શૈક્ષણિક લાયકાત, તબીબી પ્રેક્ટિસ કરવાની મંજૂરી, દવાઓની ગુણવત્તા અને સારવારની પદ્ધતિની તપાસ કોણ કરશે?

સ્થાનિક લોકો દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને પાટણ SOG સમક્ષ માંગ કરવામાં આવે છે કે વારાહી અને સાંતલપુર તાલુકામાં ચાલતા તમામ શંકાસ્પદ સારવાર કેન્દ્રોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તંત્ર તાત્કાલિક તપાસ હાથ ધરે તે જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને આ મામલે ક્યારે કાર્યવાહી કરશે?

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!