નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોનું સંવેદનશીલતા સાથે નિયમોનુસાર નિરાકરણ લાવવા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાની સૂચના
પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોએ પોતાની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નોનું ત્વરિત અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન રોડ-રસ્તા, વીજપોલ, કેનાલ, જમીન રી-સર્વે, ગટર અને પાણીની પાઇપલાઇન, માર્ગો પરના દબાણ તેમજ બસ સ્ટોપની સુવિધા સહિતના વિવિધ પ્રશ્નો અંગે અરજદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ દરેક રજૂઆતની વિગતવાર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાએ અધિકારીઓને નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી અને સંવેદનશીલતાથી સાંભળવા તેમજ દરેક પ્રશ્નનું નિયમોનુસાર અને સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે નાગરિકોને પારદર્શક, જવાબદાર અને લોકાભિમુખ વહીવટનો અનુભવ થાય તે દિશામાં કામગીરી કરવા પણ ભાર મૂક્યો હતો.
જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોને વહીવટી તંત્ર સમક્ષ સીધી રજૂ કરવાની તક પૂરી પાડી તેમનું અસરકારક અને સમયબદ્ધ નિરાકરણ લાવવાનો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વસંત નાઈ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
