આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચતા એકમો પર તંત્રની નજર; 14 હોટેલોમાંથી શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો નાશ, નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી
રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષાને લઈને કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરમાં ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમો તેમજ હાઈવે પરની હોટેલો સહિત કુલ 1,477 સ્થળોએ તપાસ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન રાજ્યની 691 હાઈવે હોટેલોમાંથી 175 હોટેલોમાં રસોડાની ગંદકી, અસ્વચ્છતા અને ખોરાક બનાવવાની તથા પીરસવાની પદ્ધતિમાં ખામીઓ જોવા મળી હતી. તંત્ર દ્વારા આ હોટેલોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ સંચાલકોએ સફાઈ અને જરૂરી સુધારાની કામગીરી હાથ ધરી હતી. અન્ય 516 હોટેલોને પણ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું વધુ કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચવા સામે કાર્યવાહી
આ અભિયાનમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના કુલ 786 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 590 એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, 32 એકમોમાં ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંને પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકોને યોગ્ય માહિતી મળે અને આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચીને ગેરમાર્ગે ન દોરવામાં આવે તે માટે એકમોમાં સ્પષ્ટ માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે.
14 હોટેલોમાંથી શંકાસ્પદ ખાદ્ય જથ્થો મળ્યો
તપાસ દરમિયાન 14 હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ખાદ્યપદાર્થોના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જો તપાસ રિપોર્ટમાં ખામી સાબિત થશે તો સંબંધિત હોટેલ સંચાલકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવા સહિત એકમ સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
ફૂડ પોઈઝનિંગ થશે તો સંચાલક જવાબદાર: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ હોટેલ, રેસ્ટોરન્ટ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપી છે. ખાદ્યપદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓ માટે હેન્ડ ગ્લોવ્ઝ તથા માથા પર કેપ પહેરવી ફરજિયાત હોવાનું જણાવ્યું છે.
મંત્રીશ્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ હોટેલમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસવામાં આવશે અથવા ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો તેની જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે.
રાજ્ય સરકારનું કહેવું છે કે ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગળ પણ સતત ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને હોટેલોમાં સ્વચ્છતા અંગે જાગૃત રહેવા અને કોઈ ગેરરીતિ જણાય તો જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
