ટેન્ડર એક એજન્સીના નામે અને કામ અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા કરાતું હોવાની ચર્ચા; તટસ્થ તપાસ અને પેમેન્ટ અટકાવવાની ગ્રામજનોની માંગ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામના રવિનગર વિસ્તારમાં અંદાજે ₹18 લાખના ખર્ચે બની રહેલી આંગણવાડીના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. બાંધકામની ગુણવત્તા અને કામગીરીની પદ્ધતિ સામે ગ્રામજનોએ અનેક સવાલો ઉઠાવતાં જવાબદાર તંત્રની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ આંગણવાડીના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાની આશંકા છે. પાયાનું ખોદકામ પણ યોગ્ય ઊંડાઈ અને નિર્ધારિત માપદંડ મુજબ કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઉપરાંત ટેન્ડર જે એજન્સીના નામે આપવામાં આવ્યું છે તે એજન્સી દ્વારા સીધી કામગીરી કરવાને બદલે અન્ય કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે આટલા મોટા ખર્ચે થઈ રહેલા બાંધકામનું જવાબદાર અધિકારીઓ દ્વારા નિયમિત સ્થળ નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ ગ્રામજનોએ પ્રશ્નો ઉઠાવ્યા છે.

ગ્રામજનોની ત્રણ સ્પષ્ટ માંગણીઓ

આંગણવાડીના સમગ્ર બાંધકામની ઉચ્ચકક્ષાની અને તટસ્થ ટેકનિકલ તપાસ કરવામાં આવે.

તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સંબંધિત એજન્સીનું ચૂકવવાનું પેમેન્ટ અટકાવવામાં આવે.

ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવામાં આવે.

બાળકોના શિક્ષણ, પોષણ અને સુરક્ષા સાથે જોડાયેલી આંગણવાડીના બાંધકામમાં જો ગુણવત્તા સાથે બાંધછોડ થતી હોય તો તે ગંભીર બાબત ગણાય. સરકારી તિજોરીમાંથી ખર્ચાતા ₹18 લાખનો યોગ્ય ઉપયોગ થાય અને બાળકોને સુરક્ષિત મકાન મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની છે.

હવે સવાલ એ છે કે જવાબદાર અધિકારીઓ સ્થળ પર જઈ બાંધકામની વાસ્તવિક સ્થિતિ તપાસશે ખરા? ટેકનિકલ માપદંડોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ થશે ખરી?

કમાલપુરના ગ્રામજનોની માંગ છે કે આ મામલે માત્ર કાગળ પર તપાસ નહીં, પરંતુ સ્થળ પર નિષ્પક્ષ તપાસ કરીને હકીકત જાહેર કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!