દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં ફટાકડાનાં બજારો શરૂ થઇ ગયાં છે. વડોદરાથી 15 કિમી દૂર આવેલું દિવાળીપુરા ગામ હવે ફટાકડા બજારનું હબ બની ગયું છે. ઠેર-ઠેર ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે, સાથે અહીં આવેલા મુખ્ય હોલસેલર અને ફેક્ટરી આઉટલેટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ચારથી પાંચ કલાક લાઇનમાં ઊભા રહી ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. અહીં ન માત્ર વડોદરા શહેર જિલ્લાના લોકો પરંતુ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જિલ્લાના અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના લોકો પણ જથ્થાબંધ અને છૂટક ફટાકડા ખરીદવા માટે આવે છે. આ વર્ષે ફટાકડાના ભાવોમાં પાંચથી સાત ટકાનો વધારો છે, ત્યારે મોડીરાત સુધી લોકો દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. ફટાકડાનું ધૂમ વેચાણ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને 30 કરોડનો વેપાર થવાનો અંદાજ છે. બાળકોના ફટાકડામાં અવનવી વેરાઇટીઓ
વડોદરાના દિવાળીપુરામાં આવેલ રેઈન્બો ક્રેકર્સ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર સાથે ખરીદી માટે ભરોસાપાત્ર સ્થળ બન્યું છે. અહીં લોકો ખરીદી કરવા આવે ત્યારે તેમનાં બાળકો રમી ફરી શકે એ માટે બગીચાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, સાથે વડીલો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા માટે બાંકડા મૂકેલા છે, જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય. હાલમાં દર વર્ષ કરતાં ફટાકડામાં વિવિધ વેરાઇટીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં ફૂટી ટિન કોઠી, ફેન્સી ડ્રોન, AK-47 ફાયર ગન, બાલાજી ગન, ફ્લાવર વિલ (ચકેડી સાથે કોઠી), પિકોક કલર ફાઉન્ટન, સિમ્બા જેવા ફટાકડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે પણ બાળકોના ફટાકડામાં અવનવી વેરાઇટીઓ જોવા મળી રહી છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી અહીં ખરીદી કરવા આવું છુંઃ ભારત મિત્તલ
આ અંગે ખરીદી કરવા આવેલા ગ્રાહક ભારત મિત્તલે જણાવ્યું હતું કે હું વડોદરાથી અહીં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ખરીદી કરવા આવું છું. લાઇન તો હંમેશાં લાંબી રહે છે. અહીં ભાવમાં ફરક છે અને વડોદરા કરતાં થોડું સસ્તું છે, શહેરમાં થોડું મોંઘું પડે છે. અમારી સોસાયટીના લોકો અને મિત્રો અહીં ફટાકડા લેવા આવતા હોય છે. અહીં વેરાઇટી સ્ટાન્ડર્ડ મળે છેઃ નયન વસાવા
ખરીદી માટે આવેલા નયન વસાવાએ જણાવ્યું હતું કે હું છેક 90 કિલોમીટર દૂર વાઘરાથી આવું છું. અહીં ખૂબ સારા સ્ટાન્ડર્ડ ફટાકડા અને વાજબી ભાવે મળે છે. અહીં લાઇનમાં ઊભા રહેવાની તકલીફ થાય છે, પરંતુ અહીં છેલ્લાં પાંચ વર્ષથી આવું છું. વસ્તુ સારી મળે એટલે લાઇનમાં ઊભા રહેવું પડેઃ આશિષભાઈ
વડોદરાના માણેજાથી આવેલા આશિષભાઈએ જણાવ્યું હતું કે અમે દર વર્ષે અહીં ફટાકડા લેવા માટે આવીએ છીએ. અહીં અમે દર વર્ષે લાઇનમાં ઊભા જ રહેતા હોઈએ છીએ અને અહીં બજાર કરતાં ભાવ સસ્તા હોય છે અને ક્વોલિટી સારી છે. છેલ્લાં પાંચ વર્ષથી અહીં આવું છું અને પંદરથી વીસ હજારની ખરીદી કરીએ છીએ. દર વખત લાઇનમાં ઊભા રહેવું પડે છે અને મજા આવે છે. વસ્તુ સારી મળે એટલે લાઇનમાં ઊભા રહેવું ગમે છે. શહેર કરતાં અહીં ભાવમાં ઘણો ફરક છેઃ દીક્ષિતા જોશી
ખરીદી કરવા આવેલી મહિલા દીક્ષિતા જોશીએ જણાવ્યું હતું કે અહીંથી છેલ્લાં દસ-બાર વર્ષથી આવું છું. અહીં ફટાકડા ખૂબ સારા હોય છે. અહીં આવ્યા બાદ એટલી લાઇન થાય છે કે ચારથી પાંચ કલાક તો નીકળી જાય છે. અહીં વેરાઇટી ખૂબ સારી છે. અહીંથી તારામંડળ, પોપોપ, ચકેડી અને કોઠી જેવી વસ્તુઓ બાળકો માટે ખરીદી કરી છે. અમે કારવણથી આવ્યા છીએ. શહેર કરતાં અહીં ભાવમાં ઘણો ફરક છે. ભાવમાં ગત વર્ષની કંપેરમાં 5થી 7 ટકાનો વધારો છેઃ ઇસ્માઇલભાઈ
આ અંગે રેઈન્બો ક્રિકર્સનના ઓનર ઇસ્માઇલભાઈએ જણાવ્યું હતું કે માહોલ ખૂબ સારો છે, રિટેઈલની ઘરાકી પણ ખૂબ સારી છે. લોકો મહારાષ્ટ્ર અને સુરતથી પણ અહીં ખરીદી કરવા આવી રહ્યા છે. અમારો વર્ષો જૂનો ધંધો છે, બાપદાદાની પેઢીથી ધંધો કરતા આવ્યા છે. 50- 60 વર્ષ જૂનો ધંધો છે. આ વર્ષે માહોલ બહુ સારો છે. લોકો પર્ચેસિંગ પણ સારીએવી કરી રહ્યા છે અને ભાવમાં બહુ વધારો નથી. ગત વર્ષની કમ્પેરમાં પાંચથી સાત ટકાનો વધારો છે. ‘વાર્ષિક 25-30 કરોડના ફટાકડાનો વેપાર’
તેમણે વધુમાં કહ્યું હતું કે લાઇનમાં ઊભા રહીને પણ લોકો ભરોસાને લીધે તેઓ અહીં ખરીદી કરે છે. નવી વેરાઇટીમાં મોટા ગુબ્બારા વધુ ચાલી રહ્યા છે, જેમાં ચાર, પાંચ અને છ ઇંચની પાઇપો આવે છે, એવી આઇટમો વધારે ચાલે છે. બાળકોમાં પોપોપ, ગન, ઢીંગલી જેવી આઇટમો વધારે વેચાઈ રહી છે. આખા વડોદરા મળીને વાર્ષિક 25-30 કરોડના ફટાકડાનો વેપાર થાય છે. ફટાકડાના ભાવમાં કઈ ખાસ વધારો નથી, GSTમાં કોઈ ફેરફાર થયો નથી. ફાયર સેફટીને લઈ અહીં બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!