રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ-1નું રૂપાસરા વસતી વિસ્તાર વર્ષોથી અંધકારની સમસ્યાથી નાકાબંદી ભોગવી રહ્યું હતું.







રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીંના લોકો છેલ્લા 80 વર્ષથી રસ્તા પર પ્રકાશ વિના મુશ્કેલીઓ વચ્ચે જીવ્યા હતા. સુરક્ષા, રાત્રિ દરમ્યાન હલનચલનમાં મુશ્કેલી, વૃદ્ધો અને બાળકોને જોખમ જેવી પરિસ્થિતિએ રહીશોના રોજિંદા જીવનને અસર કરી હતી.
રહીશો જણાવે છે કે અગાઉના ચૂંટાયેલા સભ્યોને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રતિનિધિએ સમસ્યા ઉકેલવા જરૂરી પગલાં લીધા ન હોવાથી લોકો વર્ષોથી અંધકાર સહન કરવા મજબૂર બન્યા હતા. વિસ્તારના યુવાનો, વડીલો, મહિલા મંડળો સહિત ઘણા લોકોએ વારંવાર રજૂઆત છતાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.
આ પરિસ્થિતિ વચ્ચે વોર્ડ-1ની નગરસેવિકા જયાબેન ઠાકોર સુધી સમસ્યા પહોંચતા જ તેમણે કોઈ વિલંબ કર્યા વગર રૂપાસરા વિસ્તરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન પરિવારજનોની વેદનાઓ સાંભળી, અંધારાના કારણે લોકો ભોગવતા જોખમોને સમજ્યા અને સમસ્યા ઉકેલવા તુરંત જ કામગીરી શરૂ કરી હતી.
જયાબેન ઠાકોરે તમામ તંત્રોને સાથે લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી અને સ્વયં સતત અનુસરણ કરતા માત્ર ત્રણથી ચાર મહિનાના સમયમાં રૂપાસરા વિસ્તારમાં 11 નવા લાઈટના થાંભલા સ્થાપિત કરાવવામાં સફળતા મેળવી હતી. લાઈટ શરૂ થતા જ સમગ્ર વિસ્તારમાં નવી ચેતના અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
લાઈટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્થાનિક રહીશો દ્વારા જયાબેન ઠાકોરનું હૃદયથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરતભાઈ લક્ષમણ ઠાકોર, પસાભાઈ ગુગાભાઈ ઠાકોર, રમેશભાઈ ગુગાભાઈ, રાજુભાઈ ગુગાભાઈ સહિત અનેક ભાઈઓ—બહેનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લોકોએ જયાબેન ઠાકોરની સેવા ભાવના, કાર્યક્ષમતા અને વચનબદ્ધતાની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.
સ્થાનિક રહીશો જણાવે છે કે,
“અમે 80 વર્ષથી જે પ્રકાશ માટે તરસ્યાં હતાં, તે આજે હકીકત બન્યું છે. રાત્રે ઘરે આવવા ડર લાગતો, બાળકોને બહાર જવા દેતા નહોતાં, વૃદ્ધોને મુશ્કેલી પડે… પરંતુ આજે ગામ પ્રકાશિત થઈ ગયું. જયાબેન ઠાકોરે ખરેખર દેવદૂત સમું કામ કર્યું છે.”
વોર્ડ-1ના લોકો કહે છે કે આ માત્ર એક વિકાસ કામ નથી, પરંતુ લોકોના જીવનમાં સુરક્ષા, સુવિધા અને નવી આશાનું પ્રતીક છે. બાળકો હવે રાત્રે ભણવા સરળતા અનુભવે છે, મહિલાઓ સુરક્ષિત અનુભવ કરે છે અને વૃદ્ધો નિરાંતે હલનચલન કરી શકે છે.
જયાબેન ઠાકોરની કામગીરીને કારણે સમગ્ર રાધનપુર વિસ્તારમાં પ્રસન્નતા વ્યાપ્ત થઈ છે. લોકો તેમના સમર્પણ, જનસેવા અને વિકાસલક્ષી દૃષ્ટિકોણની પ્રશંસા કરી રહ્યા છે.
સ્થાનિક સ્તરે તો એવા અવાજો પણ સાંભળવા મળ્યા કે,
“આખો રાધનપુર એવા પ્રતિનિધિઓની રાહ જોતો હતો, જે બોલે તે કરે અને કરે તો પૂર્ણ કરે.”
આ રીતે રૂપાસરા વિસ્તારમાં 80 વર્ષ બાદ અજવાળાનો ઉદય કરી નગરસેવિકા જયાબેન ઠાકોરે માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ લોકોના દિલોને પણ જીતી લીધા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
