ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જેને લઇ રાજ્યના તમામ BLO કર્મચારી આજે ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે. સુસાઇડ નોટમાં લખ્યું- કેટલાય દિવસથી સતત માનસિક થાક-તણાવ અનુભવું છું
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતાં પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકે લખેલી સુસાઇડ નોટ પ્રિય પત્ની સંગીતા… મારાથી કોઇપણ કાળે હવે આ SIR કામ થઇ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે. એમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે, એ સ્કૂલે આપી દેજે. I am very Sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay. Dt. 21-11-2025 Time – 6.35 am ‘SIRની કામગીરીના ભારણને કારણે અરવિંદભાઇએ આત્મહત્યા કરી લીધી’ : વિનોદ બારડ, અધ્યક્ષ, જિ.પ્રા.શિક્ષક સંઘ
જિ.પ્રા.શિક્ષક સંઘના અધ્યક્ષ વિનોદ બારડે જણાવ્યું હતું કે SIRની કામગીરીના મહત્તમ ભારણના કારણે કોડીનારની છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઇએ આત્મહત્યા કરી લીધી છે. તેઓ દેવળી ગામના વતની હતા. આખા કોડીનારમાં તેમની ખૂબ સારા શિક્ષક તરીકેની છાપ હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છારા ગામમાં ફરજ બજાવતા BLO શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે. SIRની કામગીરીના દબાણથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી એક શિક્ષકે આત્મહત્યા કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકના આત્મહત્યાની ઘટનાને દુઃખદ ગણવામાં આવી છે. જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં અને મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે એવી માગ કરવામાં આવી છે. જવાબદારો સામે કડક પગલાં ભરવા અને મૃતક શિક્ષકના પરિવારને 1 કરોડની સહાય આપવા માગ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ મિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે SIRની કામગીરીને લઈને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગીર સોમનાથના શિક્ષકની સુસાઈડ નોટ વાંચતા સમજી શકીએ કે શિક્ષક પર કેટલું પ્રેશર ઊભું કરવામાં આવે છે. શૈક્ષણિક સંઘ આનો ખૂબ જ વિરોધ કરે છે. જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે એવી અમારી માગ છે તેમજ મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. શિક્ષકની સુસાઈડ નોટ વાંચતા સમજી શકાય છે કે શિક્ષક પર કેટલું પ્રેશર ઊભું કરવામાં આવે છે : મિતેશ ભટ્ટ​​​​​​, પ્રદેશ અધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
તેમણે વધુમાં કહ્યું હતું કે અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે નોડેલ અધિકારી નીમવામાં આવે એવી અમારી માગ છે. સંગઠનની માગણી છતાં કોઈપણ ચર્ચા કરવામાં આવી નથી, જેથી અમે વિરોધ કરીએ છીએ. BLOની કામગીરી કરતા શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટે આહ્વાન કરવામાં આવે છે. જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ‘તમામ શિક્ષકો આજે એક દિવસ માટે મોબાઇલ કામગીરીનો બહિષ્કાર કરશે’ : પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા
પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સોમનાથ જિલ્લાના જે શિક્ષકે આત્મહત્યા કરી છે. એ ઘટનાને લઇ અમે સરકારમાં વારંવાર રજૂઆતો કરી છે. આજે શિક્ષકો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે છતાં તેમને ત્રાસ આપવામાં આવે છે. મોડીરાત્રે બહેનોને બોલાવવામાં આવે છે. રાજ્યના 2 લાખ શિક્ષક આ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. તમામ શિક્ષકો આજે એક દિવસ માટે મોબાઇલ કામગીરીનો બહિષ્કાર કરશે. કોઇ શિક્ષકે ડરવાની જરૂર નથી. બે લાખ શિક્ષકો તમારી સાથે છે, માટે મારી વિનંતી છે કે કોઇ આવું પગલું ભરે નહીં. હું તમામ શિક્ષકોને આહવાન કરું છું કે આપણે આજે આ ઓનલાઇન કામગીરીનો એક દિવસ માટે બહિષ્કાર કરીશું. કપડવંજમાં SIRની કામગીરીના દબાણ વચ્ચે શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત
કપડવંજના જાંબુડી ગામમાં રહેતાં અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં અને દોડધામમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદય રોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. (આખો અહેવાલ વાંચો) BLOને પડી રહેલી મુશ્કેલીઓ આ પણ વાંચો, SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત, શિક્ષણના ભોગે કરાવાતી BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ ‘માનસિક ત્રાસ અને ક્રૂર વર્તનથી અનેક BLO મુશ્કેલીમાં છે’ : ડૉ. હેમાંગ વસાવડા, કોંગ્રેસ નેતા
ગીર સોમનાથમાં BLOની આત્મહત્યા મુદ્દે કોંગ્રેસ નેતા ડૉ.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે BLOની કામગીરી માટે મોટે ભાગે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. કામગીરી માટે મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવે છે, જે કર્મચારીઓ અનિવાર્ય કારણોસર આ ફરજમાંથી હટવા માગે છે તેમને પોલીસ ફરિયાદ, ધાકધમકી અને ધરપકડ થશે એવું દબાણ કરવામાં આવે છે. માનસિક ત્રાસ અને ક્રૂર વર્તનથી અનેક BLO મુશ્કેલીમાં છે. ગીર સોમનાથની ઘટના માટે જવાબદાર કોણ બનશે અને પોલીસ કોની સામે કાર્યવાહી કરશે તેનો જવાબ પોલીસે આપવો જોઈએ.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!