ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમોસમી વરસાદે ખેડૂતની હાલત કફોડી કરી નાખી છે. ખેતરમાં તૈયાર થયેલા પાક પર માવઠાનો માર પડવાથી ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે અને તેની પાસે નિરાશા તથા નુકસાની સિવાય કંઈ બચતું નથી. ઓગસ્ટમાં અતિવૃષ્ટી અને ઓક્ટોબરમાં કમોસમી વરસાદે જુનાગઢ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ નુકસાનના કારણે ખેડૂતો હવે સરકારની સહાય પર નિર્ભર રહેવા મજબૂર છે, કારણ કે શિયાળુ પાક (રવિ પાક)ના વાવેતર માટે તેમની પાસે પૂરતા પૈસા નથી. ખેડૂતોની વ્યાપક માંગ છે કે જો વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તો જ તેઓ રવિ પાકનું વાવેતર શરૂ કરી શકે. વહેલી સહાયની ચૂકવણી જ ખેડૂતોને મોંઘવારી વચ્ચે પ્રમાણિત બિયારણ અને ખાતર ખરીદી શિયાળુ પાકનું વાવેતર કરવાની આશા પૂરી પાડી શકે છે. સહાયની જાહેરાત સામે સમયસર ચૂકવણીનો પ્રશ્ન
ગત 7 નવેમ્બરે સરકાર દ્વારા કમોસમી વરસાદની નુકસાની બદલ રાહત પેકેજની જાહેરાત તો કરવામાં આવી હતી અને ખેડૂતોએ ફોર્મ પણ ભરી દીધા છે. પરંતુ સહાય સમયસર ન મળતા ખેડૂતોમાં કચવાટ અને મૂંઝવણ જોવા મળી રહી છે. અતિવૃષ્ટીની ઓગસ્ટ મહિનામાં જે ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા, તેમને હજી સુધી પૈસા જમા ન થતા શિયાળુ પાકનું વાવેતર અટકી ગયું છે. બીજી તરફ, ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું, તેના માટે પણ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ આ રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા ન થતાં વાવેતર માટે જરૂરી બિયારણ અને ખાતર ખરીદવા માટે ખેડૂતો પાસે પૂરતા પૈસા ન હોવાનું જાણવા મળ્યું છે. આથી, ખેડૂતો સહાયની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી આક્રમક માંગણી કરી રહ્યા છે. ખાતર-બિયારણ મોંઘા, સહાય વિના રવિ પાક લેવો મુશ્કેલ: કોંગ્રેસ
કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણીએ આ મામલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો રોડ પર આવ્યા ત્યારે સરકાર સફાળી જાગી અને સહાયની જાહેરાત કરી. જોકે, આ જાહેરાત પછી પણ ઘણા દિવસો વીતી ગયા છે. ઓગસ્ટ મહિનામાં થયેલી પાક નુકસાનીની વિગતો આપવા છતાં ખેડૂતોના ખાતામાં હજી સુધી સહાય આપવામાં આવતી નથી. અમુક ખેડૂતોને ઓગસ્ટ મહિનામાં થયેલી નુકસાનીનો માત્ર એક હપ્તો જ મળ્યો છે, જે પૂરતો નથી. લાડાણીએ ભારપૂર્વક જણાવ્યું કે, ખેડૂતને તેની પાક નુકસાનીની પૂરતી સહાય મળે તો જ તે શિયાળુ પાક વાવી શકે, કારણ કે બિયારણ અને ખાતરના ભાવો હાલ ખૂબ મોંઘા છે. તેમણે ચેતવણી આપી કે, જો વહેલી તકે ઓગસ્ટ મહિનાની સહાય ન મળે તો ખેડૂતોને પ્રમાણિત બિયારણના બદલે નીચી ગુણવત્તાવાળું બિયારણ ખરીદવાની નોબત આવે તેમ છે. તેમણે સરકાર દ્વારા અગાઉ જુનાગઢ જિલ્લા માટે જાહેર કરાયેલા 950 કરોડના પેકેજ પૈકી ગેડ વિસ્તારના ખેડૂતોને ઓગસ્ટ મહિનાની સહાય ન મળી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને માગ કરી કે ઓગસ્ટ મહિનાની સહાય તાત્કાલિક ચૂકવવી જોઈએ. ઓગસ્ટમાં થયેલી અતિવૃષ્ટી બદલ 27.50 લાખની સહાય ચૂકવી:જિલ્લા ખેતીવાડી અધિકારી
કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ લાડાણીના આક્ષેપો સામે જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે ખુલાસો આપતા કહ્યું કે, સરકારે કરેલી જાહેરાતને પગલે ઓગસ્ટ માસમાં થયેલા ભારે વરસાદને કારણે જુનાગઢ જિલ્લાના છ તાલુકાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ પેકેજ પણ જાહેર કરાયું હતું. આ પેકેજ હેઠળ 156 ગામડાઓના 2170 ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી 27.50 લાખ રૂપિયાનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. ‘કમોસમી વરસાદની સહાય માટે 1.39 લાખ ખેડૂતોએ અરજી કરી, 2500ને ચૂકવણું થયું’
વધુમાં તેમણે ઓક્ટોબર માસના કમોસમી વરસાદને લઈને રાહત પેકેજ અંગેની વિગતો આપતા કહ્યું કે, તેમાં 521 ગામડાઓના 1,39,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાંથી તાજેતરમાં ગ્રાન્ટ આવતા ચુકવણું શરૂ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં 2500 થી વધુ ખેડૂતોને રૂ. 6 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. અધિકારી જીગર ભટે હૈયાધારણા આપી છે કે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પૂરો થતાં જ ટૂંક સમયમાં તમામ ખેડૂતોને તેમના ખાતામાં રકમ જમા કરાવી દેવામાં આવશે અને સહાયની પ્રક્રિયા સતત ચાલુ છે. ઓગસ્ટમાં અતિવૃષ્ટીથી ભારે તારાજી થઈ હતી
ગત ઓગસ્ટમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદે ગ્રામ્ય પંથકમાં ભારે તારાજી સર્જી હતી. ધોધમાર વરસાદને કારણે મેંદરડાના ચિરોડા, દાત્રાણા, નાજાપુર, માનપુર સહિતનાં 15 ગામમાં વોંકળા અને ખેતરોના પાળા ધોવાઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ભાસ્કરે આ વિસ્તારનાં ગામડાંમાં પહોંચી ખેડૂતો સાથે વાતચીત કરી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!