રાધનપુર તાલુકામાં ખંડણી, જાનથી મારી નાખવાની ધમકી અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાનો ખુલાસો થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાધનપુર પોલીસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરી આ કેસમાં સંડોવાયેલા તમામ છ આરોપીઓને ઝડપી પાડી, ગુનામાં વપરાયેલ પિસ્તોલ, લાકડીઓ તથા ઈનોવા કાર કબજે કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ 03 જાન્યુઆરી 2026ના રોજ રાત્રિના અંદાજે 2 વાગ્યાની આસપાસ, ફરિયાદી પ્રભાતભાઈ જામાભાઈ રબારી, રહે. બાબરી, તાલુકો સમી, જિલ્લો પાટણ, રાધનપુર સ્થિત પોતાની માલિકીની પ્રિન્સ હોટલ ખાતે હાજર હતા. તે દરમિયાન અગાઉ દાખલ થયેલી ફરિયાદ અંગે મનદુખ રાખી આરોપીઓ હોટલ પર આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ફરિયાદી પાસે ₹50 લાખની ખંડણીની માંગ કરી હતી. ફરિયાદીએ રકમ ચૂકવવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને લાકડીઓ વડે આડેધડ માર મારી ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી ફરિયાદી તથા ઘટનાસ્થળે હાજર સાક્ષીઓને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી, જેના કારણે ઘટનાસ્થળે ભયનું માહોલ સર્જાઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં ફરિયાદીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુ.ર.નં. 112170272600009 નોંધવામાં આવ્યો છે. ગુનામાં ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 189(4), 190, 191(2), 191(3), 109(1), 119(1), 308(4), 115(2), 118(2), 351(3) તેમજ આર્મ્સ એક્ટ કલમ 25(1-બી) અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પિસ્તોલ જેવા મારક હથિયારનો ઉપયોગ અને ગુનાની ગંભીરતા જોતા, સરહદી રેન્જ, કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી તથા રાધનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ દ્વારા ખાસ ટીમો રચવામાં આવી હતી. અલગ-અલગ ટીમોએ સતત તપાસ અને ગુપ્ત માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરી તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા.
પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓને ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે, જેના કારણે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ સામે આવી છે.
પકડાયેલ આરોપીઓની વિગતો
ભરતભાઈ સુખાભાઈ રબારી – રહે. સીપર, તા. શંખેશ્વર, જી. પાટણ (હાલ રહે. ગાંધીનગર)
બળદેવભાઈ વિરમભાઈ રબારી – રહે. વાવોલ, તા. જી. ગાંધીનગર
અમરતભાઈ વાસીભાઈ રબારી – રહે. મંગોડી, તા. જી. ગાંધીનગર
લાલાભાઈ જેસંગભાઈ રબારી – રહે. મંગોડી, તા. જી. ગાંધીનગર
હરીભાઈ સુખાભાઈ રબારી – રહે. સીપર, તા. શંખેશ્વર, જી. પાટણ (હાલ રહે. ગાંધીનગર)
વિષ્ણુભાઈ અમરતભાઈ રબારી – રહે. લોલાડા, તા. શંખેશ્વર, જી. પાટણ
પોલીસે કબજે કરેલ મુદામાલ
ગુનામાં વપરાયેલ ઈનોવા કાર (આર.ટી.ઓ નં. GJ-18-BR-5571) – અંદાજિત કિંમત રૂ. 15 લાખ
એક પિસ્તોલ – અંદાજિત કિંમત રૂ. 2 હજાર
લાકડીઓ / ધોકા (નંગ 5)
આ સમગ્ર ઘટનાએ રાધનપુર તથા આસપાસના વિસ્તારોમાં ખંડણી અને ગુંડાગીરી સામે પોલીસની કડક નીતિ સ્પષ્ટ કરી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા ગુનાહિત તત્વો સામે કાયદાની જરાય પણ ઢીલાશ રાખવામાં આવશે નહીં. હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
