ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, જોકે આત્મવિલોપન કરે એે પહેલાં જ પોલીસે ચારેય યુવાનોની અટકાયત કરી હતી. યુવકનો આત્મવિલોપન કરવાની કોશિશ કરતો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. તો બીજી તરફ SITની તપાસમાં મારામારીમાં તળાજા તાલુકાના પાદરી ગામના કાના ભીખાભાઈ કામલિયાની સંડોવણી બહાર આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં SIT દ્વારા મેડિકલ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. યુવાનો દીવાસળી ચાંપે એ પહેલાં જ પોલીસે દબોચી લીધા
​આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે (15 જાન્યુઆરી) ચાર યુવાનો એકાએક એકઠા થયા હતા અને ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ યુવાનો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ​ઘટનાસ્થળે હાજર પોલીસકાફલાએ યુવાનો દીવાસળી ચાંપે એ પહેલાં જ તેમને દબોચી લીધા હતા. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે તેમને તાત્કાલિક કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
​આ યુવકો બગદાણા ધામ ગેટ બહાર “નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો” ના નારા લગાવ્યા હતા. કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણીને પગલે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ​હાલમાં બગદાણામાં શાંતિ જળવાઈ રહે એ માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ‘પોલીસ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતી?’
આ અંગે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરે જણાવ્યું હતું કે આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. કેટલાક આગેવાનોની પોલીસતંત્ર દ્વારા અડધી રાતે ધરપકડ કરવામાં આવી તો અમુક લોકોની આગલા દિવસે ધરપકડ કરવામાં આવી. ત્યારે મારે આ પોલીસતંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો આ કેસમાં સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? ​ આ પણ વાંચો… હીરા સોલંકી બોલ્યા- કોઈ ચાળો ન કરે એવું કરીશું ‘કોળી સમાજની સાથે હંમેશાં અન્યાય જ કરવાનો?’
આજે અમે કહ્યું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના બે સભ્યએ સ્થળ પર જઈને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે. SITએ આજે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
આજે નવનીત બાલધિયા હુમલા કેસની તપાસ કરતી SITએ વધુ એક આરોપીને ઝડપ્યો છે. કેસની તપાસ સોંપાયા બાદ SITએ અગાઉ ઝડપાયેલા 8 આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તળાજા તાલુકાના પાદરી ગામના કાના ભીખાભાઈ કામલિયાની સંડોવણી બહાર આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલમાં બગદાણા હુમલા કેસમાં આરોપીની સંખ્યા નવ થઈ છે.
શું છે સમગ્ર મામલો?
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે. 5 જાન્યુઆરીએ કોળી સમાજના સાંસદો-ધારાસભ્યો ગાંધીનગરમાં CMને મળ્યા હતા આ ઘટનાને લઈ 5 જાન્યુઆરીના રોજ કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ ગાંધીનગર પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા, જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માગ કરી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ) આ બનાવની તપાસ કરી મારા સુપરવિઝનમાં સતત મને રિપોર્ટ કરશેઃ ગૌતમ પરમાર
આ અંગે રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે જણાવ્યું હતું કે તારીખ 28ના જે બગદાણા પોલીસ સ્ટેશનમાં હુમલાની ઘટના ઘટી છે, એની તપાસ પહેલાં બગદાણા પોલીસ દ્વારા કરવામાં આવી. ત્યાર બાદ મહુવા પીઆઇ દ્વારા કરવામાં આવી છે. એ તપાસના તથ્યને વધારે ઉજાગર કરવા માટે આજે સીટની રચના કરવામાં આવી છે. એમાં ધારીના ASPને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને બોટાદ SOG પી.આઇ. તથા અન્ય પોલીસ કર્મચારી અને અધિકારીને તેમાં સભ્ય બનાવવામાં આવ્યા છે, જેમાં રેન્જ લેવલે તપાસ તલ સ્પર્શી રીતે થાય એ બાબતે અહીંથી નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે આ SIT ટીમમાં એક DySP, ધારી ASP, PI, PSI અને 2 હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓને સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બનાવની તપાસ કરી મારા સુપરવિઝનમાં સતત મને રિપોર્ટ કરશે, હજુ શું-શું તપાસ થઈ છે અને ક્યાં-ક્યાં પુરાવા મેળવવાના બાકી છે. એ બાબતે SIT ટીમ સાથે આજરોજ બેઠક કરી ચર્ચા કરી છે એટલા માટે હાલ અમારા માટે સમયમર્યાદા કહેવી મુશ્કેલ છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!