રાધનપુર તાલુકાના અગિયાણા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયાના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

ગામના રહેવાસી આયર શંકરભાઈ માદેવભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી સમગ્ર મામલે નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં જણાવાયું છે કે અગિયાણા ગામમાં મનરેગા યોજના હેઠળ હાથ ધરાયેલા અનેક વિકાસ કામોમાં સરકારના નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી. વિકાસ કામો માટે તૈયાર કરવામાં આવેલા એસ્ટિમેટ, વર્ક ઓર્ડર તેમજ ટેન્ડરની શરતોને અવગણીને કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ કેટલાક જવાબદારો દ્વારા નીચી ગુણવત્તાનું મટીરિયલ વાપરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

અરજદારના જણાવ્યા મુજબ ગામમાં કેટલાક કામો કાગળ પર પૂર્ણ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં સ્થળ પર કામ અધૂરું, અપૂર્ણ અથવા ગુણવત્તા વિહોણું હોવાનું જોવા મળી રહ્યું છે. આ કારણે સરકાર દ્વારા ગ્રામ વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાંનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત યોજનાના લાભાર્થીઓ તેમજ સંબંધિત કર્મચારીઓની સંડોવણી અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કામોની ટેક્નિકલ તપાસ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અરજદારે તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત વિકાસ કામોના પેમેન્ટ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવે જેથી વધુ ગેરરીતિ અટકાવી શકાય. હાલમાં આ રજૂઆત બાદ તાલુકા પંચાયત તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને તપાસના તારણોમાં શું બહાર આવે છે તે તરફ ગ્રામજનો અને વિસ્તારના લોકોની નજર મંડાઈ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!