સરકારશ્રીના કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, હિંમતનગર દ્વારા પક્ષી બચાવો અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓ માટે વિશેષ સારવાર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત હિંમતનગરના મહાવીર નગર ચાર રસ્તા, અનતેશ્વર મહાદેવ મંદિર તેમજ તલોદ અને પ્રાંતિજ ખાતે સારવાર કેમ્પો યોજાયા હતા. ચાઈનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.
કેમ્પનો શુભારંભ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ (આઈ.એ.એસ.) તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.એમ. વોરાના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સોસાયટીના ઉપપ્રમુખ શ્રી સર્વાનંદ ભટ્ટ, મેનેજિંગ સેક્રેટરી ડૉ. આર. એસ. પટેલ, જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડૉ. જે. બી. પટેલ, તેમજ કારોબારી સભ્યો ડૉ. ઝાંખ વાલા, ડૉ. બંકિમ પટેલ, ડૉ. જે. કે. પટેલ, ડૉ. પી. એસ. પટેલ, ડૉ. જી.ડી. પટેલ, બી.ટી. પટેલ, ડૉ. એકતા પટેલ, ભાવિન પટેલ સહિત અનેક જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેનેજિંગ સેક્રેટરી ડૉ. આર. એસ. પટેલે સોસાયટીની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. માનનીય કલેક્ટરશ્રીએ સોસાયટીની કામગીરીને બિરદાવતાં ભવિષ્યમાં પણ પક્ષી સંરક્ષણ માટે સતત કામગીરી કરવા શુભેચ્છા પાઠવી હતી. સ્વયંસેવકો દ્વારા અભિયાનને સફળ બનાવવા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું.
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
