સાંતલપુરથી દાત્રાણા તરફ જતા મુખ્ય માર્ગ પર ચાલી રહેલું ડ્રાયવર્જનનું કામ તંત્રની બેદરકારીના કારણે અધૂરું અને કાચું છોડી દેવામાં આવ્યું છે.

પરિણામે આ રસ્તો હાલ અકસ્માત માટે આમંત્રણ સમાન બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ માર્ગ પર પાંચથી વધુ વાહનો ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે વાહનચાલકોમાં ભય અને રોષ વ્યાપ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડ પર યોગ્ય રીતે મટિરિયલ પાથર્યા વિના તેમજ લિવલિંગ કર્યા વગર કામ અધૂરું રાખવામાં આવ્યું છે. ભારે વાહનો પસાર થતા જ રસ્તો દબાઈ જાય છે અને કાદવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિને કારણે વાહનો અટવાઈ જાય છે અને ટ્રાફિક લાંબા સમય સુધી જામ થઈ જાય છે.

તાજેતરમાં આ માર્ગ પર એક પીકઅપ ગાડી ગંભીર રીતે ફસાઈ ગઈ હતી અને પલટી ખાવાની અણીએ પહોંચી ગઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ગાડી બહાર કાઢવા માટે બે જેસીબી મશીનો તેમજ એક ટ્રેક્ટર મગાવવું પડ્યું. લાંબી મહેનત બાદ પીકઅપ ગાડી બહાર કાઢવામાં આવી, પરંતુ આ ઘટનામાં ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પહેલા પણ ચાર જેટલા વાહનો આ જ સ્થળે ફસાઈ ચૂક્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તાની સ્થિતિ વધુ જોખમી બની જાય છે. કોઈ સૂચન બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી અજાણ્યા વાહનચાલકો માટે આ માર્ગ જીવના જોખમ સમાન બની રહ્યો છે.

સ્થાનિક ગ્રામજનોએ આ મામલે તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. કામ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ ન થવાને કારણે સામાન્ય જનતાને પરેશાની ભોગવવી પડી રહી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારબાદ જ તંત્ર જાગશે કે શું? તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

જાહેરમાં માંગ ઉઠી છે કે સાંતલપુર–દાત્રાણા રોડ પર ચાલી રહેલું ડ્રાયવર્જન કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, રસ્તાને સુરક્ષિત બનાવવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!