પાટણ જિલ્લાના સમી તાલુકામાં પૈસાની ઉઘરાણી મુદ્દે બનેલી આગજણીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. સમી પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી ઘટનાનું સ્થળપર રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સમી ખાતે રહેતા પાયલબેન ભૂપતભાઈ વાદીના ભાઈ મહેશે આશરે બે થી ત્રણ વર્ષ અગાઉ ઇમરાન ઉર્ફે ઓઝો ઇદ્રીશભાઈ સૈયદ પાસેથી રૂ. 50 હજાર ઉછીના લીધા હતા. સમય જતાં મોટાભાગની રકમ પરત ચુકવાઈ ગઈ હતી, પરંતુ રૂ. 15 હજાર બાકી રહેતા ઇમરાન ઉર્ફે ઓઝો દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી.
ગત તા. 13 જાન્યુઆરી 2026ના રોજ પાયલબેનના માતા-પિતા તથા ભાઈઓ સામાજિક પ્રસંગે બહારગામ ગયા હતા. તે સમયે ઘરમાં માત્ર પાયલબેન અને તેમના ભાભી હાજર હતા. આ પરિસ્થિતિનો લાભ લઈ ઇમરાન ઉર્ફે ઓઝો તથા ઇમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદ મોટરસાયકલ પર આવી ઘરમાં ઘૂસી ગયા હતા.
બન્ને આરોપીઓએ વાંસ અને પ્લાસ્ટિકથી બનેલા છાપરા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી. બાદમાં ઘરની બહાર ઊભેલી રીક્ષાને પણ આગ ચાંપી દેતા ભારે નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ સમી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સાક્ષીઓ, ટેક્નિકલ માહિતી અને પુરાવાના આધારે પોલીસે ઇમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદને ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછ બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે ઓઝો ઇદ્રીશભાઈ સૈયદની ધરપકડ માટે સમી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
