વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે(20 જાન્યુઆરી) વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી છે. આ વિસ્તારમાં લગભગ 50 વર્ષથી વસતા રહીશોને તેમના મકાનો તોડી પાડવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. અહીં આવેલા કોમર્શિયલ યુનિટ તોડવાની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 38 યુનિટો જમીનદોસ્ત થશે
આ કાર્યવાહીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, દબાણ દૂર કરવાની શાખા, જીઇબી, ફાયર વિભાગ અને પોલીસનો વિશાળ કાફલો સામેલ છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં કોમર્શિયલ યુનિટોને દૂર કરવાની કામગીરી ચાલુ છે, જેમાં અનેક કોમર્શિયલ દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ કુલ 38 યુનિટો સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. વિસ્તારને કોર્ડન કરીને પેટ્રોલિંગ કરાયું
ગઈકાલે રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી હતી. મગરસ્વામી આશ્રમ પાસે આવેલા આ વિસ્તારમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી ચાલુ છે. આખા વિસ્તારને કોર્ડન કરીને પેટ્રોલિંગ અને તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસની હાજરીમાં ડિમોલિશનની કામગીરી ચાલું છે: એડી. પોલીસ કમિશનર
આ અંગે એડી. પોલીસ કમિશનર ડો. લીના પાટીલે જણાવ્યું કે, સરસિયા તળાવ વિસ્તારના ચાંદ ટેકરી વિસ્તારમાં જે સરકારી જમીન છે, ત્યાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. જે પાકું દબાણ થઈ ગયું છે, તેનું અત્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. પોલીસની હાજરીમાં આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. ‘ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો’
આ કાર્યવાહીમાં 2 DCP, 5 ACP, 8 PI, 16 PSI અને 180 જેટલા SRP તેમજ પોલીસ જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. અત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી ચાલી રહી છે. અમે આખા વિસ્તારને કોર્ડન કરીને પેટ્રોલિંગ અને તમામ પ્રકારની તકેદારી રાખીને આ બંદોબસ્ત અને કાર્યવાહી કરી રહ્યા છીએ. 1995થી પ્રોસેસ ચાલતી હતી, ભૂતકાળમાં હુકમો થઇ ચૂક્યા હતા: પ્રાંત અધિકારી
વધુમાં પ્રાંત અધિકારી બી. એસ. સાંબળેએ કહ્યું કે, આજે આ સરસીયા તળાવ, સરકારી તળાવના બિન-સરકારી નંબરમાં ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર રહેણાંક તેમજ કોમર્શિયલના બાંધકામ હતા. આશરે લગભગ 1995થી આ પ્રોસેસ ચાલતી હતી. ભૂતકાળમાં હુકમો પણ થઇ ચૂક્યા હતા. આજે એની અમલવારી હાથ ધરી છે. ‘અહીં આશરે 50 ટકા કોમર્શિયલ અને 50 ટકા રહેણાંક છે’
હાલ અમે કોમર્શિયલ દબાણો દૂર કરી રહ્યા છીએ. કુલ 38 યુનિટ છે. તે પૈકી આશરે 50 ટકા જેટલા કોમર્શિયલ યુનિટ છે અને 50 ટકા જેવા રહેણાંકના છે. આ મૂળ આ બિન-નંબરી છે એટલે કોઈ ખાનગી માલિકીનું નથી, સરકારી નંબર છે. અહીંયા ધાર્મિક સ્થાનો પણ છે, ત્યાં ધાર્મિક દેવતાઓની નાની મોટી દેરીઓ, મંદિર છે. વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ
આ કાર્યવાહીને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે તમામ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા મુજબ કરવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!