વારંવાર રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા, ગ્રામજનોમાં ભારે રોષ

દુદખા (તા. સમી, જી. પાટણ) ગામમાં જોગણી માતાના મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણને કારણે સમગ્ર ગામની જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. ગામનો આ રસ્તો શાળા, ખેતીવાડી, આરોગ્ય અને દૈનિક અવરજવર માટે અત્યંત મહત્વનો હોવા છતાં દબાણના કારણે છેલ્લા લાંબા સમયથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા આ રસ્તા પરથી દબાણ દૂર કરવા માટે અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તારીખ 9 ડિસેમ્બર 2025ના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ તારીખ 11 ડિસેમ્બર 2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે તલાટીશ્રીને પણ લેખિત અરજી આપવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જે બાબત ગ્રામજનો માટે અત્યંત નિરાશાજનક બની છે.

આ મુદ્દે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના સરપંચ શ્રીમતી હંસાબેન રવિન્દ્રભાઈ પરમાર દ્વારા અરજીઓ અને રજૂઆતોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ગંભીર સમસ્યાનો ઉકેલ લંબાઈ રહ્યો છે. જાહેર હિતનો પ્રશ્ન હોવા છતાં પંચાયત અને તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. પરિણામે દર વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન આ માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે. વરસાદી પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર શક્ય બનતો નથી. શાળાના વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે, ખેડૂતોને ખેતરે જવા માટે લાંબા ચક્કર લગાવવા પડે છે અને તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ માર્ગ સંપૂર્ણપણે ઉપયોગ માટે અયોગ્ય બની જશે. ગામની આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ તેની ગંભીર અસર પડી રહી છે.

આ સમગ્ર મામલે દુદખા ગામના નાગરિકો દ્વારા સંબંધિત તંત્ર, તાલુકા વિકાસ અધિકારી તથા ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરી જાહેર રસ્તા પરથી ગેરકાયદે દબાણ દૂર કરવા અને ગામને કાયમી રાહત મળે તેવી લોકહિતમાં કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓને આંદોલનાત્મક માર્ગ અપનાવવાનો વારો આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!