પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલી ધી અગીચાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં કરોડો રૂપિયાના વ્યવહારો સંભાળતી મંડળીમાં રૂ. 36,25,242.08ની નાણાકીય ઉચાપતનો ગંભીર અને ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી કરાયેલા વિશેષ ઓડિટ બાદ આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.
આ પ્રકરણમાં મંડળીના મંત્રી જહાભાઈ મહાદેવભાઈ રબારીની રાધનપુર પોલીસે ધરપકડ કરી છે અને તેમને હાલ બે દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ મામલે સહકારી અધિકારી (ફડચો) યશકુમાર બાબુભાઈ રબારી દ્વારા રાધનપુર પોલીસ મથકે મંડળીના મંત્રી જહાભાઈ રબારી તેમજ મંડળીના તત્કાલીન પ્રમુખ કાબાભાઈ સવદાસભાઈ રબારી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જિલ્લા રજિસ્ટ્રારના આદેશ અનુસાર ઓડિટર એમ.આર. પટેલ દ્વારા વર્ષ 2019થી 2025 દરમ્યાન મંડળીનું વિસ્તૃત ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. ઓડિટ દરમિયાન ખુલાસો થયો હતો કે મંડળીના મંત્રી દ્વારા સભાસદોના હિત માટે રાખવામાં આવેલી રકમમાં ગંભીર પ્રકારની ગેરરીતિ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સભાસદોના વ્યાજ વળતર, વ્યાજ રીબેટ, ખેડૂત સભાસદ અનામત તેમજ પાક વીમા ક્લેઈમની રકમનો સમાવેશ થાય છે.
ઓડિટ રિપોર્ટ મુજબ, મંત્રી જહાભાઈ રબારીએ સભાસદોને ચૂકવવાની આ તમામ રકમ તેમના ખાતામાં જમા કરાવ્યા વિના જ રોજમેળે ઉધારી તરીકે ઉપાડી લીધી હતી. વિગતો મુજબ 01 જાન્યુઆરી 2020ના રોજ રૂ. 24,94,251 તથા 21 જુલાઈ 2020ના રોજ રૂ. 11,30,991.08 મળી કુલ રૂ. 36,25,242.08ની રકમ મંત્રી દ્વારા ગેરકાયદે રીતે ઉપાડી લેવામાં આવી હતી.
તપાસમાં વધુમાં ખુલ્યું છે કે આ રકમ સભાસદોના ખાતામાં જમા થવી જરૂરી હોવા છતાં મંત્રી દ્વારા તેનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નાણાકીય વ્યવહારો અંગે કોઈપણ પ્રકારના વાઉચર, બેંક ઉપાડની વિગતો કે આધાર પુરાવા ઓડિટ દરમિયાન રજૂ કરવામાં આવ્યા ન હતા. ઉલટું, ઓડિટ વખતે મંત્રી દ્વારા ખોટા નિવેદનો આપી તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ ઓડિટ રિપોર્ટમાં નોંધાયું છે.
ઓડિટ રિપોર્ટમાં વધુમાં ગંભીર બાબત એ સામે આવી છે કે આ સમગ્ર નાણાકીય ઉચાપતમાં મંડળીના તત્કાલીન પ્રમુખ કાબાભાઈ સવદાસભાઈ રબારીએ પણ મંત્રીને સહાય કરી હોવાનું સ્પષ્ટ થાય છે. ઓડિટરના મત અનુસાર, મંડળીની વ્યવસ્થાપક કમિટીના અન્ય સભ્યો પણ આ ગેરરીતિમાં સંડોવાયેલા હોવાની શક્યતા નકારી શકાય તેવી નથી.
આ સમગ્ર કૌભાંડ બહાર આવતા સ્થાનિક સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સભાસદો દ્વારા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. બીજી તરફ, રાધનપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં વધુ લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
