દવાઓ અને ઇન્જેક્શનો જપ્ત, પરંતુ ‘ડોકટર’ ગાયબ – પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો

રાધનપુર શહેરના મંડાઈ ચોક વિસ્તારમાં કોઈપણ સરકારી માન્ય ડિગ્રી વગર બોગસ રીતે એલોપેથીક સારવાર આપતા ઉઘાડ પગા ડોકટરના દવાખાનામાં પાટણ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા રેડ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. રેડ દરમિયાન દવાખાનામાંથી મોટી માત્રામાં દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા, પરંતુ દવાખાનું ખુલ્લું હોવા છતાં સંદિગ્ધ ડોકટર પોલીસને હાથ લાગ્યો ન હતો, જેને લઈને પોલીસની કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.

પાટણ જિલ્લા SOG સ્ટાફ રાધનપુર ખાતે નિયમિત પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે મંડાઈ ચોક, મટન માર્કેટ પાસે આવેલી એક દુકાનમાં અચાનક રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનના કાચના દરવાજા ઉપર “ડૉ. ઇમ્તિયાઝ જી. મેમણ – ઇકરા ક્લિનિક” લખેલું બોર્ડ તેમજ મતલબ વગરની અને શંકાસ્પદ ડિગ્રી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ દ્વારા સાથે હાજર રાખવામાં આવેલા મેડિકલ ઓફિસરને આ ડિગ્રી બાબતે પૂછપરછ કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે દર્શાવેલી ડિગ્રીના આધારે એલોપેથીક પ્રેક્ટિસ કરવાની કોઈ કાયદેસર મંજૂરી નથી. આ ખુલાસા બાદ પોલીસે દવાખાનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન દવાખાનામાંથી બ્લડપ્રેશર માપવાનું મશીન, વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ તેમજ ઇન્જેક્શનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી તેની કુલ કિંમત રૂપિયા 18,808/- હોવાનું નોંધ્યું છે. આ સાથે દવાખાનાની કામગીરી અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં કરતો આરોપી ઇમ્તિયાઝ મેમણ રેડ સમયે દવાખાનામાં હાજર ન હતો. દવાખાનું ખુલ્લું હોવા છતાં ડોકટર ગાયબ હોવાની વાતને લઈને નગરજનોમાં પણ ભારે અસમાધાન જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નિયમિત રીતે સારવાર આપતું દવાખાનું અચાનક રેડ દરમિયાન ખાલી હોવું અનેક શંકાઓને જન્મ આપે છે.

આ ઘટનાએ ફરી એકવાર રાધનપુર સહિત સમગ્ર પાટણ જિલ્લામાં બોગસ ડોકટરોના રેકેટ અને આરોગ્ય વિભાગની દેખરેખ પર સવાલો ઊભા કર્યા છે. ડિગ્રી વગર સારવાર આપતા આવા ઉઘાડ પગા ડોકટરો લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.

હાલ પોલીસે દવાખાનાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે અને ફરાર ડોકટરની શોધખોળ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર આવા બોગસ તત્વો સામે કેટલી કડક કાર્યવાહી કરે છે અને લોકોના આરોગ્યની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!