પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે જોગણી માતા મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર નામપુરતી રહી હોવાનું ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે.

દુદખા ગામમાં લાંબા સમયથી આ જાહેર રસ્તા ઉપર કાયમી બાંધકામો અને દબાણ હોવાને કારણે અવરજવર મુશ્કેલ બની છે. આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવ્યા બાદ તાજેતરમાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, સ્થળ પરની સ્થિતિ જોતા આ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી રહી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાર્યવાહી દરમિયાન માત્ર થોડોક કાંટાની વાડ દૂર કરવામાં આવી હતી, જ્યારે જાહેર રસ્તા ઉપર થયેલ મુખ્ય ગેરકાયદેસર બાંધકામો યથાવત્ રાખવામાં આવ્યા છે. દબાણ કરનાર વ્યક્તિઓ સામે કોઈ કડક પગલાં લેવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામ પંચાયત તથા તંત્ર સ્તરે મિલીભગતના કારણે દબાણકારોને બચાવવામાં આવી રહ્યા છે. સરકારી રેકોર્ડ મુજબ જાહેર રસ્તાની જેટલી મૂળ પહોળાઈ છે, એટલો રસ્તો આજદિન સુધી ખુલ્લો કરવામાં આવ્યો નથી, જેના કારણે વાહન વ્યવહાર તેમજ પગપાળા ચાલનારાઓ માટે જોખમ ઊભું થયું છે.

ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને સમગ્ર સ્થળની ફરીથી નિષ્પક્ષ તપાસ, જાહેર રસ્તાની મૂળ હદ નક્કી કરી તમામ ગેરકાયદેસર બાંધકામો સંપૂર્ણપણે દૂર કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નામપુરતી કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવાની પણ માગ ઉઠી છે.

ગ્રામજનો ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ જિલ્લા કલેક્ટર કચેરી તથા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવા તેમજ કાયદેસર માર્ગ અપનાવવા મજબૂર બનશે.

હાલ સમગ્ર મામલે તંત્રની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!