પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં આવેલ મામલતદાર કચેરીમાં લાંચખોરી સામે કડક કાર્યવાહી કરતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવી આઉટસોર્સ કર્મચારીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં વ્યાપેલી ભ્રષ્ટાચારની સમસ્યા સામે આ કાર્યવાહી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી. પાટણ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ફરીયાદીના ભત્રીજાનું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ જતા નવું જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદારનો હુકમ કરાવી આપવા બદલ આક્ષેપિત મહેશકુમાર @ મુકેશભાઈ દલાભાઈ પરમાર, (ડેટા એન્ટ્રી ઓપરેટર – આઉટસોર્સ, એટીવીટી શાખા, મામલતદાર કચેરી, વારાહી) દ્વારા રૂ.7,000/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી.
ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી. પાટણની ટીમ દ્વારા તા.23/02/2026ના રોજ સુવ્યવસ્થિત રીતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન વારાહી મામલતદાર કચેરી બહાર ચાની લારી પાસે આક્ષેપિતે ફરીયાદી પાસેથી રૂ.7,000/-ની લાંચની માંગણી કરી અને રકમ સ્વીકારતાં જ એ.સી.બી.ની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. લાંચની સમગ્ર રકમ સ્થળ પરથી જ રીકવર કરવામાં આવી હતી.
આ સફળ ટ્રેપની કાર્યવાહી શ્રી એમ.જે. ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આક્ષેપિત સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસનું સુપરવિઝન શ્રી કે.એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ તથા શ્રી બળદેવસિંહ સી. વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.
એ.સી.બી.ની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં લાંચ લેતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે જાગૃત નાગરિકોએ એ.સી.બી.ની કામગીરીને બિરદાવતાં ભ્રષ્ટાચાર સામે આગળ આવવા અપીલ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
