સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના કારણે વિનાશક પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામોમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. આ પુરમાં ફાંગલી ગામ પણ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યું હતું.
પુર બાદ રાજ્ય સરકાર દ્વારા મકાન નુકસાન તેમજ પશુ મરણ માટે સહાય જાહેર કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સર્વે પૂર્ણ કરી સહાય મંજૂરીના આદેશો પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં પુરને પાંચ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં અનેક લાભાર્થીઓને આજદિન સુધી સહાયની રકમ મળી નથી.
સહાય માટે કચેરીના ધક્કા
સ્થાનિક લાભાર્થીઓનું કહેવું છે કે સહાય મંજૂર હોવા છતાં DBT પ્રક્રિયા ધીમી હોવાના કારણે રકમ ખાતામાં જમા થતી નથી. તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં કર્મચારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી, જેના કારણે લોકો કંટાળ્યા છે.
પશુ મરણ સહાય પણ બાકી
ફાંગલી ગામમાં પુર દરમિયાન અનેક પશુઓનું મરણ થયું હતું. પશુપાલકોને પશુ મરણ સહાયના ઓર્ડરની નકલ મળી ગઈ હોવા છતાં આજદિન સુધી સહાયની રકમ ચૂકવવામાં આવી નથી. જેના કારણે પશુપાલકોને ચારો અને દવાખર્ચ માટે આર્થિક મુશ્કેલી વેઠવી પડી રહી છે.
પૂર્વ સરપંચનો આક્ષેપ
ફાંગલી ગામના પૂર્વ સરપંચ જેસંગભાઈ અહિરે જણાવ્યું હતું કે, “પુરને પાંચ મહિના વીતી ગયા છે અને સહાય મંજૂર પણ થઈ ગઈ છે. જો કોઈ દસ્તાવેજ કે નામમાં ભૂલ હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવી રકમ ચૂકવવી જોઈએ. છતાં લાભાર્થીઓને વારંવાર કચેરીએ ધક્કા ખાવા પડે છે અને અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી.”
પીડિતો ની માંગ
DBT પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને તંત્રની બેદરકારી સામે ગામસ્તરે ભારે રોષ ફેલાયો છે. પીડિત પરિવારો દ્વારા તાત્કાલિક મકાન સહાય અને પશુ મરણ સહાય ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો વહેલી તકે ચુકવણી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી રહ્યી છે
મહિના બાદ પણ રાહત ન મળતા ફાંગલી સહિત આસપાસના પુર પીડિતોમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
