સુરત સાયબર ક્રાઈમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડ્યો ત્યારે દૃશ્ય ચોંકાવનારૂ હતું. એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને નવ જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ અંદર પ્રવેશી ત્યારે બે આરોપી તો નિરાંતે સૂતા હતા, જ્યારે અન્ય લેપટોપ અને મોબાઈલ પર મશગૂલ હતા. આ ગેંગે સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના જીવનભરની કમાણીના 8 લાખ રૂપિયા પળવારમાં સેરવી લીધા હતા. નિવૃત્તિના પાંચ જ દિવસમાં લૂંટ
સુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફિટર ગ્રેડ-1ના અધિકારી ગત 30 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તેમને પ્રોવિડન્ટ ફંડ પેટે 28 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી તેમણે 20 લાખની એફડી કરાવી હતી. બાકીના 8 લાખ રૂપિયા પોતાના ખર્ચ માટે રાખ્યા હતા. જોકે, 5મી ડિસેમ્બરે ગઠિયાઓએ રેલવે DRM ઓફિસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પેન્શન એક્ટિવેટ કરવાના નામે ફોન કર્યો હતો. લિંક મોકલી અને ઓટીપી માગીને વૃદ્ધના ખાતામાંથી 8.12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ડિજિટલ લિંકનું ભેજાબાજ નેટવર્ક
આ ગેંગ શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા હતા. જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે, કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. ઓટીપી પણ તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા. ઓછું ભણતર છતાં હાઈટેક ઠગાઈ
પકડાયેલા નવ આરોપીઓની શૈક્ષણિક વિગતો તપાસતા પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. ગેંગમાં મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર અને આદિત્ય જેવા શખ્સો સામેલ હતા, જે માત્ર 10 કે 12 પાસ હતા. કોઈ ડીજે ઓપરેટર હતો તો કોઈ હેર કટિંગ કે વેલ્ડિંગનું કામ કરતો હતો. માત્ર પ્રિયાંશુ પાઠક બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ ઓછા ભણેલા યુવાનોએ ટેકનોલોજીના સહારે દેશભરના સેંકડો લોકોને લાખોનો ચુનો લગાવ્યો હતો અને સુરત પોલીસની રડારમાં આવી ગયા હતા. બેટબુક 247 અને ગેમિંગનું જોડાણ
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આરોપીઓ માત્ર બેંક ફ્રોડ જ નહોતા કરતા, પરંતુ BetBook247.com નામની ગેમિંગ વેબસાઈટના માધ્યમથી મોટું રેકેટ ચલાવતા હતા. તેઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકોની જીતેલી રકમ ચૂકવવા માટે અથવા નવા લોકોને આઈડી પૂરા પાડવા માટે કરતા હતા. લૂંટના નાણાં વ્હાઈટ કરવા માટે તેઓ ગેમિંગ વેબસાઈટને એક મજબૂત કવર તરીકે વાપરતા હતા. આ રીતે તેઓ ગુનાહિત નાણાંની હેરફેર કરીને પોલીસને હાથતાળી આપતા હતા. કુરિયર દ્વારા બેંક કિટ્સની હેરાફેરી
સાયબર માફિયાઓ અત્યંત ચાલાકીથી ભાડાના ફ્લેટના એડ્રેસ પર અલગ-અલગ બેંક ખાતાઓની કિટ્સ કુરિયર મારફતે મંગાવતા હતા. એકવાર કિટ મળી જાય એટલે તેઓ મોબાઈલમાં એકાઉન્ટ લોગઈન કરી ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. એટીએમથી રોકડા રૂપિયા ઉપાડીને મુખ્ય આરોપી ચેતન અને શુભ ઉર્ફે બજરંગબલી સુધી પહોંચાડતા હતા. તેઓ ‘ડિપોઝિટ’ અને ‘વિડ્રોઅલ’ નામના બે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતા હતા, જેમાં ફ્રોડના રૂપિયાના સ્ક્રીનશોટ અને સ્લિપો અપલોડ કરીને હિસાબ રાખવામાં આવતો હતો. 19 કરોડનું રાષ્ટ્રીય કૌભાંડ
સુરત પોલીસની આ કામગીરીમાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા બેંક ખાતાઓની વિગતો મેળવી છે. આ ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 19 કરોડ 24 લાખ રૂપિયાથી વધુનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ટોળકી સામે દેશભરમાંથી કુલ 119 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. સુરત પોલીસ હવે આ તમામ ફરિયાદોના તાર જોડીને તપાસ આગળ ધપાવી રહી છે. મુદ્દામાલ અને ધરપકડની કાર્યવાહી
પોલીસ ટીમે દરોડા દરમિયાન રીવા સ્થિત ફ્લેટમાંથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ તેમજ પાસબુક જપ્ત કરી છે. આ ટોળકી છેલ્લા પાંચ મહિનાથી માસિક 15,000 રૂપિયાના ભાડાના ફ્લેટમાં રહીને આ રેકેટ ચલાવતી હતી. મુખ્ય આરોપી પ્રિયાંશુને મિર્ઝાપુરથી અને બાકીના આઠ શખસને રીવાથી ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!