પાટણ જિલ્લામાં હોટલ અને ગેસ્ટહાઉસના ઓથા હેઠળ ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાધનપુર પોલીસ સ્ટેશન અને SOG પાટણની સંયુક્ત ટીમે રાધનપુર-વારાહી હાઇવે પર આવેલી લકી હોટલમાં દરોડો પાડી દેહવ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને નાયબ પોલીસ અધિક્ષક કુણાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન SOG શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાધનપુર પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલી હોટલમાં રેઇડ ગોઠવવામાં આવી હતી.
દરોડા દરમિયાન હોટલમાંથી એક પરપ્રાંતીય મહિલા મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં હોટલ સંચાલક દ્વારા આર્થિક લાભ માટે મહિલાઓને લાલચ આપી અનૈતિક દેહવ્યાપારની પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ મામલે પોલીસે રજાકભાઇ કરીમભાઇ તુંવર (સિપાઇ), રહે મુજપુર તા. શંખેશ્વર, જી. પાટણને કાયદેસર કસ્ટડીમાં લઈ તેમના વિરુદ્ધ અનૈતિક દેહવ્યાપાર પ્રતિબંધ અધિનિયમ-1956 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 500 રોકડ, એક મોબાઇલ ફોન તથા નિરોધના બોક્સ સહિત કુલ અંદાજિત રૂ. 5,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કામગીરી રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.બી. વાધિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તથા SOG પાટણની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે જિલ્લામાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે આગળ પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
