રાઠોડ વાસને બદલે અન્ય વિસ્તારમાં ગટર લાઇન નાખાઈ હોવાનો દાવો; તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
ભાભર તાલુકાના લાડુલા ગામમાં વિકાસના કામને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, સ્વાગત અરજી અંતર્ગત રાઠોડ વાસ માટે રૂ. 4.50 લાખના ખર્ચે મંજૂર થયેલી ગટર લાઇનનું કામ નિયત સ્થળે કરવામાં આવ્યું નથી. તેના બદલે અન્ય વિસ્તારમાં ગટર લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, રાઠોડ વાસના પરિવારો હજુ પણ ગટર જેવી પાયાની સુવિધાથી વંચિત છે. વરસાદી મોસમ દરમિયાન ગંદુ પાણી અને વરસાદી પાણી ઘરોમાં પ્રવેશતા રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિકાસના નામે મંજૂર થયેલા કામનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચ્યો નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
આ મુદ્દે ગ્રામજનોએ ભાભર તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ), સુઈગામના પ્રાંત અધિકારી તેમજ થરાદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જો વિકાસના કામમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોવાનું સામે આવે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ રાઠોડ વાસમાં મંજૂરી મુજબ ગટર લાઇનનું કામ તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
